મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની તેજ રફતારથી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ ડેસ્ટીનેશન બની રહેલા ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિમાં સમયાનુકુલ જરૂરિયાતો મુજબની બનાવવાના સૂચનો અભ્યાસ-સમીક્ષા માટે 10 જેટલી વિવિધ ટાસ્કફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યની વર્તમાન ઊદ્યોગ નીતિ જે પહેલા જાન્યુઆરી–2015થી અમલમાં આવી હતી તે આગામી ડિસેમ્બર-2019માં પૂર્ણ થવા જઇ રહી છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં આવનારા સમયના ઊદ્યોગો અને તેને આનુષાંગિક બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ સમીક્ષા કરી તેને અનુરૂપ નવી ઊદ્યોગ નીતિ તૈયાર કરવાનો ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અભિગમ અપનાવ્યો છે.
આ હેતુસર જુદી જુદી 10 જેટલી ટાસ્કફોર્સની રચનાને તેમણે મંજૂરી આપી છે. આ બધી ટાસ્કફોર્સ કમિટી વખતોવખત બેઠક યોજીને ત્રણ મહિનામાં રાજ્યના ઊદ્યોગ કમિશનરને ભલામણો મોકલી આપે તેવું પણ ઠરાવવામાં આવ્યું છે.
રાજ્ય કક્ષાની ટાસ્કફોર્સ કમિટી મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહના અધ્યક્ષપણા નીચે રચવામાં આવી છે તેમાં નાણાં, વન પર્યાવરણ, મહેસૂલના અધિક મુખ્ય સચિવઓ તથા અન્ય સભ્યોમાં ઉદ્યોગના અગ્ર સચિવ, વાણિજ્યીક વેરા કમિશનર, ઊદ્યોગ કમિશનર, ઊદ્યોગ વિભાગના સંયુકત સચિવ, નાયબ સચિવ અને ઓ.એસ.ડી.નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ટાસ્કફોર્સના અન્ય બિનસરકારી સભ્યો તરીકે GCCIના પ્રમુખ, FICCIના ગુજરાત એકમના પ્રમુખ, CIIના ગુજરાત પ્રમુખ, એસોચેમના ગુજરાત પ્રમુખ તેમજ PDPUના ડાયરેકટર સી. ગોપાલક્રિષ્ણન, IIM અમદાવાદના પ્રોફેસર સબેસ્ટીયન મોરેશ, EDIના પ્રો. દિનેશ અવસ્થી અને કિરણ જોષી રહેશે. આ કમિટીના સભ્ય સચિવ તરીકે અધિક ઊદ્યોગ કમિશનર ફરજ બજાવશે.
રાજ્યકક્ષાની આ ટાસ્કફોર્સ સમિતિ ઊપરાંત ઊદ્યોગ કમિશનરના અધ્યક્ષપણામાં MSME સેકટર વિકાસ, થ્રસ્ટ સેકટર અને મોટા ઊદ્યોગોના વિકાસ માટે, માંદા એકમોના પૂન: સ્થાપન માટે, સ્ટાર્ટઅપ તેમજ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માટે કમિટીઓ રચવામાં આવી છે.
આ નવી ઊદ્યોગ નીતિ અંતર્ગત પર્યાવરણીય સુરક્ષા અને ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ માટે વન-પર્યાવરણના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં, ઔદ્યોગિક આંતરમાળખાકીય સુવિધા વિકાસ અને જમીન વિષયક બાબતો માટે જી.આઇ.ડી.સી.ના એમ.ડી.ની અધ્યક્ષતામાં, વેપાર વાણિજ્યક અને સેવા ક્ષેત્રના વિકાસ માટે સ્પેશ્યલ કમિશનર કોમર્શીયલ ટેક્ષના અધ્યક્ષપણામાં અને સ્કીલ અપગ્રેડેશન તથા ઊદ્યોગોને અનુરૂપ રોજગાર નિર્માણ માટે રોજગાર તાલીમ નિયામકના વડપણ નીચે ટાસ્કફોર્સ રચવામાં આવી છે.
આ બધી જ ટાસ્કફોર્સમાં ઊદ્યોગ-વેપાર જગત, યુવા સ્ટાર્ટઅપ તથા જે તે વિષય તજ્જ્ઞોની સેવાઓ મળી રહે તે માટે જે તે ક્ષેત્રના અગ્રણીઓની પણ બિનસરકારી સભ્યો તરીકે નિયુકિત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ નવી ઊદ્યોગ નીતિમાં સ્ટેક હોલ્ડર્સ એટલે કે લાભાર્થીઓના વિચારો-અનુભવો, સૂચનો મેળવવા પ્રો-પીપલ પ્રો-એકટીવ ટ્રાન્સપેરન્ટ ગવર્નન્સના ઉદાત્ત ભાવથી આ બધી ટાસ્કફોર્સની રચના કરવાની અભિનવ પહેલ કરી છે.