મોદી સરકારે રચ્યો ઈતિહાસ: વિપક્ષને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો, ત્રિપલ તલાક બીલ રાજ્યસભામાં પાસ

મુસ્લિમ મહિલાઓ માટેનું ત્રિપલ તલાક બીલ લોકસભામાં પાસ થયા બાદ મોદી સરકારે ઈતિહાસ રચ્યો છે. રાજ્યસભામાં ચાર ક્લાકની મેરેથોન ચર્ચા બાદ ત્રિપલ તલાક બીલ રાજ્યસભમાં પાસ કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં મોદી સરકાર અલ્પમતમાં છે, બહુમતિમાં નથી અને છતાં ત્રિપલ તલાક બીલ પાસ કરીને મોદી સરકારે વિપક્ષને મોટામાં મોટો ઝટકો આપ્યો છે.

ત્રિપલ તલાક બીલ પર ચર્ચાના અંતે વોટીંગ કરવામા આવ્યું હતું. બીલને સિલેક્શન કમિટીને મોકલવાનો પ્રસ્તાવની વિરુદ્વમાં 100 વોટ પડ્યા હતા જ્યારે ફેવરમાં 84 વોટ પડ્યા હતા. આમ ત્રિપલ તલાક બીલને સિલેક્શન કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં ઉડી ગયો હતો. કાયદા મંત્ર રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં બીલ રજૂ કર્યુ હતું. સિલેક્શન કમિટી પાસે મોકલવાનો ઠરાવ ઉડી ગયા બાદ બીલ પર વોટીંગ કરવામા આવ્યું હતું.

જ્યારે બીલ પર વોટીંગ કરવામા આવ્યું ત્યારે બીલની ફેવરમાં 99 વોટ પડ્યા હતા અને વિરુદ્વમાં 84 વોટ પડ્યા હતા. આમ મોદી સરકારે વિપક્ષને અત્યાર સુધીની સૌથી મોટી મહાત આપી હતી. હવે રાષ્ટ્રપતિની મંજુરી મળે એટલે ત્રિપલ તલાક બીલ સીધો કાયદો બની જશે. હવે કોઈ પણ વ્યક્તિ એક સાથે ત્રણ તલાક બોલી શકશે નહીં.