તાપી નદીના ઉપરવાસમાં સામે થતાં બુરહાનપુરમાં દેમાર વરસાદ વરસી રહ્યો છે. બુરહાનપુરમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે અને નદીના પાણી પુલ સુધી પહોંચી ગયા છે. બુરહાનપુરમાં પુર જેવી સ્થિતિ નિર્માણ થતાં સુરતને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આનાં કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉકાઈ ડેમની સપાટી 285 ફૂટે પહોંચી ગઈ છે.

ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશમાં તાપી નદીમાં નવા નીર આવ્યા છે. આના કારણે મહારાષ્ટ્રના જલગાંવના ભૂસાવલ ખાતે તાપી નદી પર બંધાયેલા હથનુર ડેમના તમામ 41 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
હથનૂર ડેમના કેચમેન્ટ એરિયામાં પાછલા 24 કલાકમાં 472 મીમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે હથનૂર ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. ડેમના સોમવારે બપોરે 3 કલાકે ટોટલ 41 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. જેથી ડેમમાંથી પ્રતિ સેકંદ 4 હજાર 839 ક્યુસેક છોડવામાં આવતાં તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રનાં જલગાંવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજયના તાપી, સુરત ગામના લોકોએ એલર્ટ પર રાખી દેવામાં આવ્યાં છે.