ડાંગની નદીઓમાં પુર જેવી સ્થિતિ, સુરતમાં વિયર કમ કોઝવે ઓવર ફ્લો, રાજકોટમાં આજી-2, ડોડી ડેમ ઓવરફલો

સુરત સિટી અને સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે સતત ત્રીજા દિવસે રાંદેર-કતારગામને જોડતા કોઝ વેને બંધ રાખવામાં આવ્યો છે. હાલ કોઝ વે 6 મીટરની ભયજનક સપાટી વટાવી 6.41 મીટરથી વહી રહ્યો છે. જેના કારણે કોઝ વે ખાતે અદભૂત નજારો સર્જાયો છે. અને લોકો કોઝ વેનો નજારો જોવા ઉમટી પડ્યા છે. 

ત્રણ દિવસથી સુરત સિટી અને સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદના પગલે ત્રણ દિવસ પહેલાં કોઝ વેએ 6 મીટરની ભયજનક સપાટી વટાવતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. હાલ કોઝ વેની સપાટી 6.41 મીટર છે. જેને પગલે કોઝ વે ખાતે અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. 

સુરત વિયર કમ કોઝવે

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ક્યાંક પાણી ભરાયા છે. જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં નોંધાયો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. તો ડાંગના 17 કોઝવે ઉપર પાણી ફરી વળતા 30થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યાં છે. જેને કારણે લોકો જીવનના જોખમે પુલ પસાર કરી રહ્યાં છે. ભારે વરસાદને કારણે ધોડવહળ, સુપદહાડ, આંબાપાડા, કુમારબંધ, ચીખલદા, સુસરદા, ધૂળચોંડ, ગાયખાસ, ચવડવેલ, ચોકયાં, દબાસ, માછળી, બોરપાડા, સતિવાગણ, લિંગા, કોસંબીયા અને પાંડવા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. 

રાજ્યમાં ભારે વરસાદને પગલે ૫૯ ગામો વીજળી વિહોણા બન્યા છે. તો બીજી તરફ, નવસારીના ગણદેવીના વેગણીયા નદીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. પુલ પાણીમાં ગરકાવ થતા ગણદેવી બીલીમોરાનો શોર્ટકટ માર્ગ બંધ થયો છે. તો ઉપરવાસમાં વરસાદ બંધ થતાં નદીમાં પાણીના સ્તર ઘટ્યા છે. 

આજી ડેમ -રાજકોટ

પાણીની સતત આવક બાજ આજી-2ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ પાંભર ઈટાળા ગામ ખાતે આવેલો ડોડી જળસંપત્તિ સિંચાઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. એક જ રાતમાં આ ડેમ ઓવરફ્લો થઈ જતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. 

ભાવનગરના વલ્લભીપુર અને ઉમરાળા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. 6 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં નદીઓમાં નવા નીરની આવક થઈ છે. વલ્લભીપુર શહેરમાં અનેક વિસ્તારોમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. તો ઘેલો નદીમાં નવા નીરની આવક પણ થઈ છે.