કાફે કોફી ડેના માલિક અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ.એમ.કૃષ્ણના જમાઈ વીજી સિદ્વાર્થ સોમવાર રાત્રીથી લાપતા છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સિદ્વાર્થે નેત્રાવતી નદીમાં મોતનો ભૂસ્કો માર્યો છે. પોલીસે સિદ્વાર્થની શોધખોળ શરૂ કરી દીધી છે. સિદ્વાર્થ બિઝનેસ ટ્રીપ પર ચિકમંગલૂર ગયા હતા. ત્યાં સુધી લોકોને તેમની ભાળ હતી. ત્યાર બાદથી તેમનો કોઈ પતો મળી રહ્યો નથી. ફોન પણ સોમવાર રાતથી સ્વિચ ઓફ બતાવવામાં આવી રહ્યો છે. આવામાં અટકળો અને અફવાઓએ જોર પકડ્યું છે.
દેશની સૌથી મોટી કોફી ચેનના માલિક આમ લાપતા થતા કર્ણાટકના ઉદ્યોગ જગતમાં ખળભળાટ વ્યાપી ગયો છે. સિદ્વાર્થના લાપતા થવા પાછળ અનેક પ્રકારના ક્યાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસને જાણ થઈ છેકે મેંગ્લુરુના ઉલ્લાલ બ્રિજ પરથી એક વ્યક્તિએ નેત્રાવતી નદીમાં છલાંગ લગાવી દીધી છે. પોલીસને આ કોલ નવ વાગ્યાની આસપાસ મળ્યો છે. આના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે સિદ્વાર્થે નેત્રાવતીમાં મોતની છલાંગ લગાવી દીધી છે.
પોલીસે એક કાર ચાલકને ટાંકીને જણાવ્યું કે ઉલ્લાલ બ્રિજ પરથી એક માણસે કૂદકો માર્યા છે. પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે. કાર ચાલકે કૂદકો મારનાર વ્યક્તિની ઓળખ સિદ્વાર્થ તરીકે આપી છે. સિદ્વાર્થ સોમવાર રાત્રે મેંગ્લુર આવ્યા હતા. ડ્રાઈવરને બ્રિજ નજીક કાર અટકાવીને નીચે ઉતરી ગયા હતા. ડ્રાઈવરે કાર અટકાવ્યા બાદ સિદ્વાર્થ બ્રિજ પર આંટો મારવા નીકળ્યા હતા અને ત્યાર બાદથી તેઓ લાપતા થયા છે.
ડ્રાઈવરની માહિતીના આધારે પોલીસે ડોગ સ્કવોડ સહિતના કાફલાને શોધખોળમાં જોતરી દીધા છે. અંદાજે 200 લોકોની ફોજ સિદ્વાર્થને શોધી રહી છે. ઉલ્લાલ બ્રિજના એક કિલોમીટર વિસ્તારમાં સતત શોધ કરવામાં આવી રહી છે. આજુ બાજુના વિસ્તારોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.