સપનું સાકાર થઈ રહ્યું છે: ભારત દેશના આ શહેરમાં દોડશે પાણી નીચે ટ્રેન

પાણી નીચે દોડતી ટ્રેનમાં બેસવાની તમારી ઈચ્છા હવે ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ શકે છે. ભારતમાં નદી નીચે દોડનારી પહેલી મેટ્રો રેલવે લાઈનનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. કોલકાતા મેટ્રોની આ નવી લાઇન ફેઝ એક પર ટૂંક સમયમાં મેટ્રો સેવા શરૂ થશે. આ મેટ્રો લાઇનના લગભગ પાંચ કિલોમીટરના અંતરે સોલ્ટ લેક સ્ટેડિયમથી સોલ્ટ લેક સેક્ટર-પાંચ પર કમિશનર રેલવે સલામતી માટેની તપાસ મંગળવારે પૂર્ણ થઈ ગઈ હતી. આશા વ્યક્ત થઈ રહી છે કે આ પ્રોજેક્ટને ટૂંક સમયમાં મંજૂરી મળી જશે. ત્યારબાદ સામાન્ય જનતા માટે મેટ્રોની સેવાઓ શરૂ કરવામાં આવશે.

કોલકાતા મેટ્રોનો પૂર્વ-પશ્ચિમ પ્રોજેક્ટ લગભગ ૧૬ કિલોમીટર લાંબો છે, જે સોલ્ટ લેક સ્ટેડિયમથી હાવડા ગ્રાઉન્ડ સુધી ફેલાયેલો છે. સોલ્ટ લેક સેક્ટર – પાંચથી સોલ્ટ લેક સ્ટેડિયમ વચ્ચે આ લાઇન પર કરુણમયી, સેન્ટ્રલ પાર્ક, સિટી સેન્ટર અને બંગાળ કેમિકલ મેટ્રો સ્ટેશન છે. કોલકાતા મેટ્રો ભારતીય રેલ્વે અંતર્ગત આવે છે અને રેલવે આ સમગ્ર પ્રોજેક્ટ પર ૮૫૭૨ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. ભારતમાં પ્રથમ વખત નદીના પટ હેઠળ પરિવહન ટનલ બનાવવામાં આવી છે. અહીં ઉપર અને નીચે બે ટનલ બનાવવામાં આવી રહી છે, જે લગભગ 1.4 કિલોમીટર લાંબી છે. અહીં હુગલી નદીની પહોળાઈ લગભગ 520 મીટર છે અને આ નદીના પટ હેઠળથી મેટ્રો પસાર થશે.

આ ટનલ બનાવવા માટે રશિયા અને થાઇલેન્ડના નિષ્ણાતોની સલાહ લેવામાં આવી છે. બીજી તરફ, વિશ્વની શ્રેષ્ઠ ટેકનીકનો ઉપયોગ ટનલના પાણીના લિકેજને રોકવા માટે કરવામાં આવ્યો છે. તેને પાણીના લિકેજથી બચાવવા માટે, સુરક્ષા કવચ તરીકે ત્રણ સ્તર બનાવવામાં આવ્યા છે. આ ટનલમાં મેટ્રો ટ્રેન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.