RSS શરૂ કરશે આર્મી સ્કૂલ, આવી રીતે મળશે એડમિશન

આગલા વર્ષથી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ(RSS) દ્વારા પોતાની પ્રથમ આર્મી સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યું છે. આ સ્કૂલમાં સશસ્ત્ર દળોમાં સામેલ થવા માંગતા બાળકોને ટ્રેનીંગ આપવામાં આવશે. RSSની વિદ્યા શાખા દ્વારા આર્મી સ્કૂલનું સંચાલન કરવામાં આવશે. સ્કૂલનું નામ RSSના પૂર્વ સરસંઘચાલક રાજેન્દ્રસિંહ-રજ્જૂ ભૈયાના નામ પર રાખવામાં આવશે. સ્કૂલનું નામ રજ્જૂ ભૈયા સૈનિક વિદ્યા મંદિર રહેશે.

RSSની આર્મી સ્કૂલની શરૂઆત ઉત્તરપ્રદેશના બુલંદશહેરના શિકારપુરમાંથી કરવામાં આવશે.1992માં અહીંયા રજ્જૂ ભૈયાનો જન્મ થયો હતો. આ સ્કૂલમાં છઠ્ઠા ધોરણથી લઈ બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ હશે. શૈક્ષણિક સત્ર એપ્રિલથી શરૂ થશે. આમાં સીબીએસઈનું સેલેબસ હશે. સ્કૂલના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. વિદ્યા ભારતીના સંયુક્ત સંગઠન સચિવ યતીન્દ્ર કુમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હાલ પ્રયોગના ભાગરૂપે વિદ્યા ભારતી તરફથી પ્રથમ સૈનિક સ્કૂલ ખોલવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે 2020-21માં સ્કૂલમાં સીબીએસઈ પ્રમાણે અભ્યાક્રમ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ટ્રેનીંગ સાથે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે. સેનાના નિવૃત્ત સૈન્ય કર્મીઓને ટીચીંગ માટે નિમણૂંક કરવામાં આવશે. સ્કૂલમાં હોસ્ટેલની સુવિધા પણ રહેશે.  હાલ વિદ્યા ભારતી દેશભરમાં વીસ હજાર સ્કૂલોનું સંચાલન કરી રહ્યું છે.

વિદ્યા ભારતીના અજય ગોયલે જણાવ્યું કે પ્રથમ બેચના પ્રોસ્પેક્ટસ લગભગ તૈયાર કરી દેવાયા છે. ત્યાર બાદ અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પ્રથમ બેચમાં છઠ્ઠા ધોરણ માટે 160 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. શહીદોના બાળકો માટે 56 સીટ અનામત રાખવામાં આવી છે. સપ્ટેમ્બરમાં રિટાયર્ડ આર્મીના ઓફીસર્સ સાથે સૂચનો માટે બેઠક કરવામાં આવશે.

RSS દ્વારા શરૂથી જ સૈન્ય શિક્ષણ તરફેણ કરવામાં આવી રહી છે. 1937માં નાસિકમાં ભોંસલા મિલિટ્રી સ્કૂલની સ્થાપના બીએસ મુંઝેએ કરી હતી. બીએસ મુંઝે RSSના સંસ્થાપક કેશવ રામ હેડગેવારના ગુરુ હતા.

સ્કૂલના બ્રોશરમાં લખવામા આવ્યું છે કે દેશમાં સેના, નૌ-સેના અને વાયુ સેનામાં અધિકારીઓની સંખ્યા ઓછી છે. દરેક રાજ્યમાં આર્મી સ્કૂલ છે પણ તે ડિમાન્ડને પરિપૂર્ણ કરી રહી નથી.

40 કરોડના ખર્ચે સ્કૂલ બિલ્ડીંગ બાંધવામાં આવશે. એડમિશન માટે સંપૂર્ણ બાયોડેટા અને બાળકોની યોગ્યતાના આધારે નક્કી કરવામાં આવશે. એડમિશન માટેના કેવા નિયમો હશે તેની જાણકારી હાલ આપવામાં આવી નથી, પણ એડમિશમ પ્રક્રિયામાં બાળકની સક્ષમતાને ધ્યાને રાખવામાં આવશે અને કૌશલ્યને પણ અગ્રીમતા આપવામાં આવનાર છે.