બનાસકાંઠા જળબંબાકાર, વાવમાં નવ ઈંચ વરસાદ, જાણો બીજે ક્યાં વરસી રહ્યો છે વરસાદ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. પાછલા 24 ક્લાકમાં જ વાવ તાલુકામાં નવ ઈંચ વરસાદ પડી ગયો છે. અવિરત વરસી રહેલા તોફાની વરસાદના કારણે ઠેક-ઠેકાણે ઝાડ પડી જવાની ઘટના બની છે. ઉત્તર ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચમાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે.

બનાસકાંઠાના અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ થયો છે. થરાદમાં 7 ઈંચ, દિયોદરમાં 5 ઈંચ અને વાવમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે બનાસ નદીમાં પાણીની ભારે આવક થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. હવામાન ખાતા દ્વારા બનાસકાંઠામાં હજુય ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે જમાવટ કરી છે. આજે બપોરથી વરસાદ ચાલુ છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં આજ સવારથી છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યાં છે. વડોદરા, સુરત અને રાજકોટમાં પણ વરસાદી માહોલની જમાવટ થઈ છે.