વીડિયો: શું ભૂજની અદાણી હોસ્પિટલમાં કૂતરાની જેમ બચકાં ભરવા દોડી રહેલા યુવાનને હડકવા થયો છે? જાણો સાચી હકીકત

ભૂજની અદાણી જી. કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા યુવાન દર્દીએ મચાવેલા ઉત્પાતે દોડધામ સર્જી હતી. શ્વાનની જેમ ચાર પગે દોડીને લોકોને બચકાં ભરવા દોડતા યુવાનને હડકવા ઉપડ્યો હોવાનું માનીને લોકોમાં અને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં ભય વ્યાપી ગયો હતો. દરમ્યાન આ યુવાનને સ્ટ્રેચર પર સુવાડતાં તે કૂદકો મારીને નીચે ઉતરી ગયો હતો અને ચાર પગે દોડવા લાગ્યો હતો.

એટલું જ નહીં તેને પકડવાનો પ્રયાસ કરનાર પરિવારજનો અને અન્ય લોકોને પણ તે બચકાં ભરવા માંડતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. બે દિવસ પહેલા રાત્રીના સમયે તેણે મચાવેલા આ ઉત્પાતનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. આ બનાવને અદાણી જી. કે. જનરલ હોસ્પિટલે પણ સમર્થન આપ્યું છે. દર્દીના પરિવારજનોએ પણ તે માનસિક અસ્વસ્થ હોઈ મનોરોગ અંગેની સારવાર ચાલતી હોવાનો ખુલાસો કર્યો છે. જો કે હોસ્પિટલ સહિત પરિવાર દ્વારા નામ-સરનામું જણાવવા ઇન્કાર કરાયો છે.

જૂઓ યુુવાનનાં ઉત્પાતનો ચોંકાવનારો વીડિયો…

આ અંગે માહિતી આપતા ડો. શાર્દુલ ચોરસિયાએ જણાવ્યું હતું કે, દર્દીને હડકવા નથી પણ તે હિસ્ટીરિયાનો દર્દી છે. હડકવા અને હિસ્ટરીયાના અમુક લક્ષણો સમાન હોય છે. હિસ્ટરીયાના દર્દી મોંમાંથી લાળ ટપકાવે છે અને સાઈકીક રીતે હાઇપર થઈને લોકો પાછળ દોડે છે. તેમજ ગુસ્સો વ્યકત કરે છે અને પોતાના મનના વિચારો અનુસાર વિચિત્ર વર્તણુંક કરે છે. જ્યારે હડકવાનો દર્દી પાણી અને પ્રકાશ જોઈ બેબાકળો બની જાય છે. આ દર્દીએ જાતે પાણી પીધું હતું અને રાત્રે લાઈટના પ્રકાશમાં પણ સ્વસ્થ જણાતો હતો.