ગુજરાતમાં સતત બીજા વર્ષે દિવ્યાંગ દિકરી કલગીના કલગી ફાઉન્ડેશન દ્વારા રાજ્યના વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર 30 દિવ્યાંગોનો “દિવ્યાંગ રત્ન એવોર્ડ “દ્વારા સન્માન કરવાનો અનોખો કાર્યક્રમ તારીખ 27 જુલાઈ શનિવારના રોજ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ, અમદાવાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ ની વિશેષતા હતી કે, છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં કોઇ પણ સરકાર કે સંસ્થા દ્વારા દિવ્યાંગોને સન્માન આપવાનો આવો કોઈ કાર્યક્રમ યોજાયો નથી ત્યારે ગુજરાતની એક દિવ્યાંગ દીકરી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.
કલગી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ભૂષણ કુલકર્ણીના જણાવ્યા અનુસાર ગુજરાતના દિવ્યાંગો સામાન્ય વ્યક્તિ કરતાં પણ વધુ નામના મેળવી શકે છે ,તે પુરવાર કરનાર અલગ-અલગ ક્ષેત્રના 30 દિવ્યાંગો જેવા કે સ્પોર્ટ્સ ,એજ્યુકેશન, ગીત-સંગીત, ડાન્સ અને પોતાના ખાસ કૌશલ્ય દ્વારા દેશ અને દુનિયામાં નામ રોશન કરનાર દિવ્યાંગ રત્નોનુ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી અને જાણીતા લેખક, પત્રકારશ્રી દેવેન્દ્રભાઈ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. હિમાંશુભાઈ પંડ્યા ,પ્રો. વાઇસ ચાન્સેલર ડો.જગદીશ ભાવસાર ,કેન્દ્ર સરકારના માહિતી પ્રસારણ મંત્રાલયના યુવા અધિકારી ચિરાગભાઈ ભોરણીયા તથા ગુજરાતના જાણીતા દિવ્યાંગ પ્રોફેસર અને સિંગર ઉર્વીશભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત દિવ્યાંગ રત્ન એવોર્ડ માં એવોર્ડ મેળવનારા દિવ્યાંગો નો ઉત્સાહ વધારવા માટે ગુજરાતી કલાકારો જેવા કે અરવિંદ વેગડા, રાજલ બારોટ, જીગ્નેશ કવિરાજ ,મનુભાઈ રબારી ,કાજલ મહેરીયા અને વિજયભાઈ સુવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં દિવ્યાંગ કલાકારો દ્વારા વિવિધ પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું.