ટીકટોકનું ટશન: શું પોલીસવાળાઓએ નાચ-ગાન કરવા જોઈએ કે નહીં?

ગુજરાત પોલીસમાં હાલ બે વીડિયો વાયરલ થયા છે. મહેસાણાની અર્પિતા ચૌધરી અને વડોદરાના પીએસઆઈ વરુણ મિશ્રાએ ટીકટોક પર વીડિયો બનાવી વાયરલ કર્યા છે. આમાં અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જ્યારે વરુણ મિશ્રા સામે કાર્યાવહીની લટકતી તલવાર જોવા મળી રહી છે.

પોલીસ બેડામાં ચર્ચાતો પ્રશ્ન એ છે કે શું પોલીસને આવી રીતે નાચ-ગાન કરવાનો અધિકાર ખરો? તો આ અંગે ભિન્ન-ભિન્ન મત મળી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવા પ્રકારના નાચ-ગાનને પોલીસ પ્રોટોકોલની બિલ્કુલ વિરુદ્વ માની રહ્યા છે અને નિયમ મુજબ કાર્યવાહી કરવાનું જણાવી રહ્યા છે.

અમદાવાદના પોલીસ અધિકારીએ કહ્યું કે પોલીસ એટલે પોલીસ. એક વખત યુનિફોર્મ ધારણ કરી લીધું તો એ પોલીસ જ રહે છે અને મરતા દમ સુધી પોલીસ તરીકે જ ઓળખાય છે. પોલીસ યુનિફોર્મમાં હોય કે ન હોય, એ પોલીસ મટી જતો નથી. પોલીસને વર્દી અને વર્દી વિના પણ પ્રોટોકોલામાં જ રહેવાનું હોય છે. નિયમ પણ આવા જ છે.

તેમણે નામ ન દેવાની શરતે કહ્યું કે ધારો કે હાલ હું વર્દીમાં નથી અને કોઈ ઘટના બને તો હું પોલીસવાળો નથી એવું લોકો થોડીક માનશે, ત્યારે પણ મારી ઓળખ પોલીસ તરીકે જ થશે. વર્દી હોય કે ન હોય પોલીસ આખરે હર હાલમાં પોલીસ છે અને પોલીસે પોલીસની જવાબદારી નિભાવવાની હોય છે.

તેમણે કહ્યું કે  યુનિફોર્મની ગરીમા હોય છે. નાચ-ગાન યુનિફોર્મમાં હોય તો એ સીધી રીતે શિસ્તભંગનો કિસ્સો બને છે. બીજી વાત એ છે કે કોઈ ઉચ્ચ કે ઉપરી પોલીસ અધિકારી આવે તો અન્ય બધા પોલીસ કર્મીઓ સાવધાનની પોઝીશનમાં ઉભા રહી જાય છે. આ પ્રોટોકોલ છે. પોલીસ સ્ટેશનમાં લોકઅપની બહાર આવું બધું બિલ્કુલ પણ ચલાવી શકાય એમ નથી.

વાયરલ વીડિયો અંગે એનસીપીના નેતા રેશ્મા પટેલને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે સામાન્ય લોકો પર છાપ છે કે પોલીસ અને નેતા 24 ક્લાક ખડેપગે હોવા જોઈએ. પોલીસે ઓન ડ્યૂટી આવું ન કરવું જોઈએ. હા, ફેમિલી કે ફ્રેન્ડ સર્કલ સાથે હોય, ઓન ડ્યૂટી ન હોય અને પ્રોટોકોલ ન તૂટતો હોય તો તો ગમ્મત કરી શકે છે પણ પોતાના મર્યાદા ન ચૂકવી જોઈએ, એ મહત્વનું છે.