વાયરલ ટીકટોક વીડિયો અંગે DYSP મનજીતા વણઝારાએ કર્યો મોટો ધડાકો: વીડિયો છે ચાર-પાંચ મહિના જૂનો, મિત્રએ કર્યો હતો અપલોડ

ટીકટોક એપ્લીકેશનથી વીડિયો વાયરલ થયા બાદ મહેસાણાના  DYSP મનજીતા વણઝારાએ “સમકાલીન” સાથે ટેલિફોન પર પોતાની સાફ વાત કરી હતી. DYSP મનજીતા વણઝારાએ કહ્યું કે જે વીડિયો વાયરલ થયો છે તે બહૂ જૂનો છે અને મારા અકાઉન્ટથી અલપોડ થયો નથી. મારા મિત્ર છે તેમના અકાઉન્ટથી વીડિયો અપલોડ થયેલો છે.

મહેસાણાના DYSP મનજીતા વણઝારાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોલીસ પણ સમાજનો અવિભાજ્ય અંગ છે. પોલીસ સેવામાં કેટલાક પ્રોટોકોલ છે અને તેનો ચૂસ્તપણે અમલ કરવામા આવે છે. પર્સનલ અકાઉન્ટ પરથી વીડિયો લેવામાં આવ્યો અને મીડિયામાં તેને દર્શાવવામાં આવ્યું છે. દરેકની પર્સનલ લાઈફ હોય છે અને પર્સનલ લાઈફમાં કોણ શું કરે છે એ દરેકની પોતાની વ્યક્તિગત બાબત છે.

તેમણે કહ્યું કે મારા મિત્ર ભાગ્યશ્રી દેસાઈના અકાઉન્ટ પરથી વીડિયો લેવામા આવ્યો છે અને મારા ઘરનો વીડિયો છે. ઘરમાં અમે શું કરીએ તે દરેકની પર્સનલ બાબત ગણાય. ઘરમાં નાચીએ-કૂદીએ એની સાથે કોઈને કશી લેવા દેવા હોવી જોઈએ નહીં. બીજું એ છે કે આ વીડિયો ચારથી પાંચ મહિના જૂનો છે. મનજીતા વણઝારાને ટીકટોકનો કોઈ ક્રેઝ નથી. પોલીસ પ્રોટોકોલને સારી રીતે સમજીએ છીએ અને તેનું ચૂસ્તપણે પાલન પણ કરવામાં આવે છે.

તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે પોલીસ સેવામાં હોઈએ એટલે દરેક પ્રકારના નિયમો સાથે બંધાયેલા છીએ. પોલીસ કર્મચારી કે અધિકારી યુનિફોર્મમાં હોય તો એણે પ્રોટોકોલ તોડવું ન જોઈએ. આ ઉપરાંત હાલના યુગમાં સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા રહેવું અનિવાર્ય છે. ફેસબૂક અને ટીકટોક કે અન્ય કોઈ એપ્લિકેશનને સમજવી પડશે અને તેનો ઉપયોગ કરીએ તો સાચી હકીકત અને ગુનેગારો સુધી પહોંચી શકવામાં મદદ મળી રહે છે. સોશિયલ મીડિયાની જાણકારી રાખીએ તો ગુનાનો ભેદ ઉકેલવામાં મદદ મળી રહે છે અને એના કારણોસર સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છીએ.