કોંગ્રેસ-જેડીએસ ગઠબંદનની સરકારનું પતન થયા બાદ ભાજપના નેતા યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ચોથીવાર શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે મંત્રી મંડળની જાહેરાત વિશ્વાસ મત હાંસલ કર્યા બાદ કરવામાં આવશે. કોંગ્રેસના વ્હીપનો ભંગ કરીને ધારાસભ્ય રોશન બેગ યેદિયુરપ્પાના શપથ ગ્રહણ સમારંભમાં હાજર રહ્યા હતા.
શપથ ગ્રહણ કરતા પહેલાં યેદિયુરપ્પાએ બેંગ્લુરુના મલ્લેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા ત્યાર બાદ સમર્થકો સાથે સીધા રાજભવન પહોંચ્યા હતા. શક્રવારે રાજ્યપાલ વજુભાઈ વાળા સમક્ષ નવી સરકારની રચના કરવા માટેનો દાવો રજૂ કરવામાં આવ્યો હતો.
દાવો કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે આજે સાંજે શપથ ગ્રહણ કરવામાં આવશે. ધારાસભ્યોની બેઠક બોલાવવાન જરૂર નથી કારણ કે વિપક્ષ નેતા તરીકે કાર્યરત હતો અને તે પ્રમાણે જ દાવો કરવામાં આવ્યો છે. યેદિયુરપ્પાએ આરએસએસના નેતાઓ સાથે બેઠક કરી હતી અને અમિત શાહના નિર્દેશ બાદ સરકાર રચવાનો દાવો કર્યો હતો.