આસારામ અને નારાયણ સાંઈને મોટી રાહત, દિપેશ-અભિષેક મોત મામલે ક્લિનચીટ

જસ્ટીસ ડીકે ત્રિવેદી કમિશને આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઈને અમદાવાદના દિપેશ અને અભિષેક મૃત્યુ મામલે ક્લિનચીટ આપી દીધી છે. બન્ને બાપ-દિકરાને મોટી રાહત મળી છે. જૂલાઈ-2008માં આ ઘટનાની તપાસ ત્રિવેદી કમિશનને સોંપવામાં આવી હતી.

ત્રિવેદી પંચને 2013માં ગુજરાત સરકારે તપાસ સુપરત કરી હતી. શુક્રવારે ગુજરાત વિધાનસભામાં ત્રિવેદી કમિશનનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. પંચે દિપેશ વાઘેલા અને અભિષેક વાઘેલાના ગૂમ થવા પાછળ તંત્રની લાપરવાહીને મુખ્ય કારણ ગણાવ્યું છે અને કહ્યું છે કે આવા પ્રકારની લાપરવાહીને સહન કરી શકાય એમ નથી.

આસારામના ગુરુકુલમાં અભ્યાસ કરી રહેલા બે ભાઈ દિપેશ(10) અને અભિષેક(11)ની લાશ 5 જૂલાઈ-2008ના દિવસે સાબરમતિ નદીના કિનારેથી મળી આવી હતી. બન્ને ભાઈઓ બે દિવસ પહેલાં આસારમાના ગુરુકુલના હોસ્ટેલમાંથી લાપતા થયા હતા. આસારામ આશ્રમ અને હોસ્ટેલ બન્ને સાબરમતિ નદી કિનારે આવેલા છે.

ત્રિવેદી પંચના રિપોર્ટમાં કહેવાયું છે કે આ વાતનો કોઈ પુરાવો નથી મળી રહ્યો કે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઈ દ્વારા આશ્રમમાં તાંત્રિક વિધિ કરવામાં આવતી હતી. ગુરુકુલના સંચાલકોની સાથે સાથે આશ્રમના સંચલાકોનું પણ ગુરુકુલના હોસ્ટેલમાં રહેતા બાળકોની સલામતી જોવાની ફરજ છે. તેમની સાર-સંભાળ રાખવી તેમનું કર્તવ્ય છે.

પંચના રિપોર્ટમાં જણાવાયું છે કે પુરાવા સાથે ચેડાં કરવાની બાબતમાં પંચને લાગે છે કે આ બધું ગુરુકુલના સંચલાકોની લાપરવાહીના કારણે થયું છે. જ્યારે પરિવારજનોનો આરોપ છે કે આસારામ અને નારાયણ સાઈ દ્વારા બ્લેક મેજિક કરવામાં આવ્યું હતું, જેના કારણે બન્ને બાળકોના મોત થયા છે.