પોલીસ સ્ટેશનમાં ટીકટોક પર વીડિયો બનાવી અપલોડ કરવાનું ભારે પડ્યું, અર્પિતા ચૌધરી સસ્પેન્ડ

મહેસાણાના લાઘણજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી અને લોક રક્ષક દળમાં તૈનાત અર્પિતા ચૌધરીને ટીકટોક પર વીડિયો અપલોડ કરવાનું ભારે પડ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યા બાદ પોલીસ વિભાગે અર્પિતા ચૌધરી વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરી છે. મહેસાણાના પોલીસ વડાએ અર્પિતાને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.

20મી તારીખે અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનમાં પોતાન ટેબલ પાસે ઉભા રહીને હિન્દી ફિલ્મના ગીત પર ટીકટોક એપ્લીકેશનથી વીડિયો બનાવી અપલોડ કર્યો હતો. પળવારમાં આ વીડિયો વાયરલ થયો હતો. અર્પિતા ચૌધરી પોલીસ યુનિફોર્મમાં ન હતી.

મહેસાણાના DySP મનજીતા વણઝારાએ મીડિયાને કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી છે. શિસ્ત અને નૈતિકતાના મુદ્દે સસ્પેન્શનની કાર્યવાહી કરાઈ છે. ફરજ દરમિયાન આવા પ્રકારની વર્તૂણૂંક અયોગ્ય અને નિયમોના ઉલ્લંધન કરે છે. સસ્પેન્ડ કર્યા બાદ અર્પિતા વિરુદ્વ અન્ય પગલા ભરવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

DySP વણઝારાએ કહ્યું કે DGP દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આ છે કે  ફરજ દરમિયાન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોબાઈલ ફોનનો ઓછામાં ઓછો ઉપયોગ કરે.  જોકે, કેટલાક પોલીસો કહે છે કે મનોરંજન કરવાનો પોલીસ પણ અધિકાર છે. ડ્યૂટી દરમિયાન ચોક્કસપણે આવું ન કરાય અને તે સમય દરમિયાન શિસ્તમાં રહેવું જરૂરી છે.