ધોનીને મળ્યું જમ્મૂ-કાશ્મીરમાં પોસ્ટીંગ, 31મીએ કરશે ડ્યૂટી જોઈન

ટીમ ઈન્ડીયાના વિકેટ કિપર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટેરિટોરિયલ આર્મીના માનદ કર્નલ પણ છે. વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ધોનીના રિટાયરમેન્ટની અટકળો ચાલી રહી હતી ત્યારે ધોનીએ ક્રિકેટ મેદાનથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ધોનીને વેસ્ટઈન્ડીઝ પ્રવાસમાંથી પણ પડતો મૂકવામાં આવ્યો છે. પણ આ વખતે ધોનીનો ઉલ્લેખ ક્રિકેટ નહીં પણ કર્નલ તરીકેના પોસ્ટીંગને લઈ કરવામાં આવી રહ્યો છે.

ટેરિટોરિયલ આર્મીના માનદ લેફ્ટનન્ટ કર્નલ ધોનીએ ડ્યૂટી જોઈન કરવાનો નિર્ણય લીધો છે. મહેન્દ્રસિંહ ધોની 106 ટેરિટોરિયલ આર્મીની બટાલિયન(પેરાશૂટ રેજિમેન્ટ)માં સામેલ થશે. આ રેજિમેન્ટ હાલ કાશ્મીરના વિક્ટર ફોર્સની સાથે તૈનાત છે. ધોની પોતાની બટાલિયન સાથે કાશ્મીરમાં ડ્યૂટી જોઈન કરશે. ટેરિટોરિયલ આર્મીના નિર્દેશાનુસાર મહેન્દ્રસિંહ ધોની 31 જૂલાઈથી લઈને 15મી ઓગ્ષ્ટ સુધી જમ્મૂ-કાશ્મીરમાં પોતાની બટાલિયન સાથે જોડાયેલા રહેશે. આ દરમિયાન ધોની માટેના કાર્યો પણ નક્કી કરવામાં આવ્યા છે.

મહેન્દ્રસિંહ ધોનીએ કાશ્મીરમાં ફરજ બજાવતી વખતે સેના દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ કાર્યો કરવા પડશે. તેમની રેન્કના ઓફીસરને આપવામાં આવતા કાર્યોને ધોનીએ કરવા પડશે. પેટ્રોલીંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યૂટી પર ફરજ બજાવવી પડશે અને નિર્ધારિત સમય મર્યાદા સુધી ધોનીએ પોતાના ગ્રુપ સાથે જ રહેવાનું થશે. ધોની જે બટાલિયનના કર્નલ છે તેની મુખ્ય ઓફીસ બેંગ્લુરુમાં છે અને હાલ આ ગ્રુપ જમ્મૂ-કાશ્મીરમાં તૈનાત છે.

ધોનીએ ચાર વર્ષ પહેલાં જ પેરામ્બદુરમાં ટ્રેનીંગ પુરી કરી હતી. આના કારણે તેમને 106 ટેરિટોરિયલ બટાલિનમાં મૂકવામાં આવ્યા છે. ધોનીએ 2015માં આગ્રા ખાતેના ટ્રેનીંગ કેમ્પમાં એરક્રાફ્ટથી પાંચ પેરાશૂટથી કુદવાની ટ્રેનીંગ લીધી છે. હવે પંદર દિવસ ધોની પોતની બટાલિયન સાથે રહેશે.