આ બે દિવસ દરમિયાન ગુજરાતમાં વરસી શકે છે ધોધમાર વરસાદ

સમગ્ર ગુજરાતમાં તાપમાન લોકોને અકળાવી રહ્યું છે. સખત બફરો અને ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે તેવામાં  હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આગામી 28 અને 29 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદના આગાહી કરવામા આવી છે. આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ વરસ્યો હતો.

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. તેમ છતાં વાતાવરણમાં અસહ્ય બફારો છે. વરસાદ વરસી રહ્યો નથી, જેને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. તો બીજી તરફ, બંગાળના દરિયા કિનારે લો પ્રેશર સક્રિય થવાનું છે. ત્યારે 28 થી 29 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ત્યારે દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીનો આ સીઝનનો સરેરાશ 28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આગામી 48 કલાક માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અહીં વરસાદની સાથે ઝડપી તોફાનની પણ ચેતવણી આપવામાં આવી છે.