મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીમાં ભંગાણ થવાની શક્યતા છે. આ દરમિયાનમાં મુખ્યમંત્રી કમલનાથે માસ્ટર સ્ટ્રોક ફટકારી ભાજપના બે ધારાસભ્યોને કોંગ્રેસના સમર્થનમાં લઈ ગયા છે ત્યારે કમ્પ્યુટર બાબાએ નવો ધડાકો કર્યો છે. તેમના દાવાથી ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ જન્મી જવા પામી છે. કમ્પ્યુટર બાબાએ કહ્યું કે ભાજપના ચાર મોટા ગજાના ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને સમય આવ્યે આ અંગે ખુલાસો કરવામાં આવશે.
કમ્પ્યુટર બાબાએ ચાર ધારાસભ્યોના નામ જાહેર કર્યા નથી અને ન તો એવું કહ્યું કે ક્યારે ભાજપની વિરુદ્વમાં જાહેરમાં આવશે. પણ તેમણે એવું કહ્યું કે સમય આવ્યે બધી જાણ થઈ જશે.
મીડિયા સાથે વાત કરતા કમ્પ્યુટર બાબાએ કહ્યું કે ભાજપના ચાર ધારસભ્યો સીધા સંપર્કમાં છે અને કમલનાથના આદેશ પર તેમના નામને જાહેર કરવામાં આવશે. બાબાએ આરોપ મૂક્યો કે ભાજપના ધારાસભ્યો હેરાન થઈ રહ્યા છે.સાથે જ બાબાએ કમલનાથની પ્રશંસા કરી કહ્યું કે કમલનાથને દરેક માણસ પસંદ કરી રહ્યો છે. પાછલી સરકાર પર હુમલો કરતા તેમણે કહ્યું કે જુઠ બોલવાના કારણે મધ્યપ્રદેશમાં ભાજપ સત્તાથી દુર થઈ ગયું છે. શિવરાજસિંહ ચૌહાણ કોઈનું પણ સાંભળતા ન હતા અને તેમનું જુઠ ક્યારેય સમાપ્ત થયું ન હતું.
આ પહેલાં ભાજપના બે બળવાખોર ધારાસભ્યોએ કોંગ્રેસની કંઠી બાંધી લીધી છે. મધ્યપ્રદેશ કોંગ્રેસે આનું સમર્થન આપ્યું છે. સાથે જ દાવો કર્યો છે કે અન્ય કેટલાક ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે.
જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાકેશસિંહે કહ્યું કે ભાજપમાં બધું બરાબર ચાલી રહ્યું છે અને અંડર કન્ટ્રોલ છે. હમણાં કશું થયું નથી. આ કોંગ્રેસનું ઉતાવળીયું કામ છે અને કશે પણ કોઈ કઠણાઈ નથી.