MPમાં ભાજપની ફજેતી: વિધાનસભામાં બીલ પાસ કરવાના વોટીંગમાં 2 ધારાસભ્યો કમલનાથ સાથે

કર્ણાટકમાં કોંગ્રેસ-જનતાદળએસની સરકારનું પતન થતાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો વારો છે. ભાજપ મધ્યપ્રદેશમાં સરકાર પાડી શકે છે. આ અંગે ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજસિંહ ચૌહાણ અનેકવાર બોલી ચૂક્યા છે. પણ બુધવારે મધ્યપ્રદેશમાં બધું જ ઉલ્ટું થયું. એક તરફ ભાજપ સરકારને પાડવા પ્રયત્નશીલ છે તો બીજી તરફ વિધાનસભામાં બીલ પર વોટીંગ કરવામાં આવતા ભાજપના બે ધારાસભ્યોએ કોંગ્રેસની તરફેણમાં વોટ આપ્યા હતા. આ અંગેની જાણકારી કમલનાથે જાતે આપી છે.

મધ્યપ્રદેશના વિપક્ષ નેતા ગોપાલ ભાર્ગવે ચેતવણી આપતા કહ્યું કે જો અમાર નંબર વન અને નંબર ટૂ નેતા કહેશે તો  24 ક્લાકમાં સરકાર તોડી પાડીશું. આનાથી ઉલ્ટું કમલનાથે નિવેદનમાં કહ્યું કે રોજ ભાજપ ઈચ્છે છે કે કોંગ્રેસ સરકાર બહુમતિ ગુમાવે અને કોઈ પણ દિવસ પડી શકે છે. પણ આજે અપરાધિક કાયદાના સંશોધનમાં ભાજપના બે ધારાસભ્યોએ કોંગ્રેસનું સમર્થન કર્યું છે.

કોંગ્રેસના મંત્રી જીતુ પટવારીએ દાવો કર્યો હતો કે ભાજપ કમલનાથને કુમારસ્વામી સમજવાની ભૂલ ન કરે. મધ્યપ્રદેશમાં ધારાસભ્યો ખરીદવા માટે ભાજપે સાત જન્મ લેવા પડશે. જ્યારે બસપાના ધારાસભ્ય સંજીવસિંહે કોંગ્રેસને આગોતરી જાણ કરતા કહ્યું કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સંભાળે, નહિંતર ગરબડ થઈ શકે છે.

શિવરાજસિંહ કહ્યું હતું કે સરકાર પડશે તો એના માટે ભાજપ જવાબદાર રહેશે નહીં. કોંગ્રેસમાં જૂથબંધી અને આંતરકલહના પરિણામ સ્વરૂપ સરકાર પડી જશે. તો કમલનાથે વિપક્ષ ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે વિપક્ષ ભાજપ ઈચ્છે ત્યારે બહુમતિનું પરીક્ષણ કરાવી શકે છે. સરકાર આના માટે તૈયાર છે. કોંગ્રેસનો કોઈ પણ ધારાસભ્ય વેચાઉ નથી. સરકાર પૂરા પાંચ વર્ષ પૂર્ણ કરશે અને પૂરી તાકાતથી ચાલશે,