કર્ણાટક પછી ભાજપ દ્વારા મધ્યપ્રદેશની કમલનાથ સરકારને ડિસ્ટર્બ કરવાની આપવામાં આવી રહેલી ધમકીઓના અનુસંધાને કમલનાથે પહેલો ઘા તે રાણાનો કરી દીધો છે. આજે વિધાનસભામાં ભાજપના બે ધારાસભ્યોએ કોંગ્રેસની ફેવરમાં વોટીંગ કરતાં ભાજપની નેતાગીરીની ચિંતામાં વધારો થયો છે. કોંગ્રેસે બન્ને ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે મોકલી આપ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કમલનાથ દ્વારા યોજાયેલા ડિનરમાં ભાજપના બન્ને ધારાસભ્યો નારાયણ ત્રિપાઠી અને શરદ કૌલ હાજર રહ્યા હતા.
આ ઘટનાક્રમ મધ્યપ્રદેશ વિધાનસભામાં ભાજપના નેતા અને ગૃહના વિપક્ષી નેતા ગોપાલ ભાર્ગવના દાવા પછી બન્યો હતો. ગોપાલ ભાર્ગવે કહ્યું હતું કે અમારા નંબર-1 અને નંબર-2 નેતા કહેશે તો કોંગ્રેસની સરકારને 24 ક્લાકમાં તોડી પાડતા વાર લાગશે નહીં.
વિધાનસભાં ક્રિમિનલ લો અમેડમેન્ટ બીલને રજૂ કરવામાં આવ્યું હતું. બીલને આ બન્ને ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો. કમલનાથે કહ્યુ હતું કે ભાજપ કહે છે કે અલ્પમતમાં સરકાર છે અને કોઈ પણ દિવસે પડી ભાંગશે. તો કહેવાનું થાય છે કે ભાજપના બે ધારાસભ્યોએ કોંગ્રેસના બીલને સમર્થન આપ્યું છે.
ભાજપને બુધવારે ત્યારે મોટો ઝટકો લાગ્યો હતો કે જ્યારે વિધાનસભામાં બન્ને ધારાસભ્યોએ કોંગ્રેસના બીલને ટેકો આપી વોટીંગ કર્યું હતું. આ બન્ને ધારાસભ્યો પહેલાં કોંગ્રેસમાં હતા અને પાછલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપમાં સામેલ થયા હતા. ભાજપના બન્ને ધારાસભ્યો અંગે ચર્ચા થઈ રહી છે કે બન્નેએ ઘર વાપસી કરી છે.
સતનાની મેહર વિધાનસભાના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી અ શહડોલની બ્યૌહારી વિધાનસભાના ધારાસભ્ય શરદ કૌલે કહ્યું કે કમલનાથ સરકારને એટલા માટે સમર્થન આપ્યું કે તેઓ પોતાના મતવિસ્તારમાં વિકાસ કરવા માંગે છે.