શહીદ આર્મી જવાન આરીફ પઠાણને હજારો લોકોની હાજરીમાં અપાઈ અંતિમ વિદાય, વડોદરા હિબકે ચઢયું

જમ્મૂ-કાશ્મીરની અખ્નૂર બોર્ડર પર શહીદ થયેલા વડોદરાના જવાન આરીફખાન પઠાણની આજે સંપૂર્ણ સૈન્ય સમ્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા, અને લોકોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા. આરીફ પઠાણનો પાર્થિવ દેહ ગઈકાલે મોડી સાંજે વડોદરા આવી પહોંચ્યો હતો.

પાકિસ્તાની આર્મી દ્વારા કરાયેલા બોંબમારામાં સોમવારે સાંજે ઘવાયેલા આરીફ પઠાણ ઈજાઓ ગંભીર હોવાથી શહીદ થયા હતા. ગઈકાલે તેમનો દેહ વડોદરા આવી પહોંચ્યો ત્યારે જ હજારો લોકો એરપોર્ટ પર પહોંચ્યા હતા.

એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ તેમનો પાર્થિવ દેહ ઘરે લવાયો હતો. ફતેહગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ પણ શહીદને શ્રદ્ધાંજલિ આપી હતી.

શહીદના પાર્થિવ દેહને રાત્રે હોસ્પિટલમાં રખાયા બાદ સવારે નવ વાગ્યે નવા યાર્ડ સ્થિત તેમના ઘરે લવાયો હતો.

બપોરે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, અને ડી કેબિન સ્થિત કબ્રસ્તાનમાં શહીદની દફનવિધિ કરવામાં આવી હતી.