સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પર વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભામા સરકાર આકરા પ્રહાર કર્યા હતા. ખાસ કરીને અસ્પૃશ્યતા નાબુદ કરવા માટે જિજ્ઞેશ મેવાણીએ સરકારને અનેક પ્રકારના સૂચનો તો કર્યા પણ સરકારની નીતિઓ અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા હતા.
જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે આઠમા ધોરણમાં ભણતો વિધાર્થી તે છ્ઠ્ઠા ધોરણની વિધાર્થીનીને, ચબરખીમાં આઈ લવ યુ લખીને મોકલે તે કેટલો માસુમ પ્રેમ હોય. ગુજરાતના 50 લાખ દલિતોના પ્રશ્નોની સમજ મારા સાથી હિતુભાઈ કનોડીયાની એટલી જ માસુમ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તે દલિત અને આદિવાસી સમાજનો આર્થિક ઉત્કર્ષ થાય એ માટેનું ખાતું નથી.તેનો મુળ હેતુ સામાજિક ન્યાય એટલે કે, સોશિયલ જસ્ટીસ એન્શ્યોર કરવાનો છે. તેના માટે રાજ્યની સરકારે સમાજની અંદર ઉંચ-નીચનો જે ખ્યાલ પ્રવર્તે છે અને સમાજમાં ગામે ગામ, મહોલ્લે મહોલ્લે જે અસ્પૃશ્યતા અને આભડછેટ આજે પણ જીવે છે તેને પણ ખતમ કરવાનો છે. તેના માટે આ બજેટમાં એક ફુટી કોડી રાખવામાં આવી નથી.
તેમણે કહ્યું કે નિતીનભાઇએ કહ્યું હતું કે, ચંદ્રયાન-2 મોકલ્યું, પાટલી થપ-થપાવો, પણ મને પાટલી થપથપાવવાનું એટલા માટે મન ન થયું કે, મોડર્ન સાયન્સ અને ટેક્નોલોજીના યુગમાં, ગ્લોબલાઈઝેશનના યુગમાં જ્યારે આપણે ચંદ્રયાન મોકલીએ છીએ ત્યારે એક સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ન પડે તેના માટેની કોઈ ટેક્નોલોજી આપણી પાસે નથી. એટલા માટે રાજ્યની સરકારને મારા તરફથી ઓફર કરું છું કે, તમે લેખિતમાં બાંહેધરી આપો કે, હું જિજ્ઞેશ મેવાણી તમને 11 લાખનું કેરળમાં શોધાયેલું રોબોર્ટ ગિફ્ટ આપવા તૈયાર છું. તમે વાપરવા તૈયાર છો ?
મેવાણીએ કહ્યું કે સફાઈ કામદારે ગટરમાં ઉતરવું ના પડે, એટલા માટે આ મારી એમને ઓફર છે. શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાના પ્રયત્નોને હું બિરદાવું છું કે, 14 મી એપ્રિલે દલિત સમાજની સાથે બેસે છે અને જમે છે. બહુ સરસ. ભુપેંદ્રસિંહ ચુડાસમાને ગુજરાતના 50 લાખ દલિત સમાજના હિતમાં એક વિનંતી કે તમે “એક ગામ એક સ્મશાન”ની નીતિ બને એવી યોજના લાવો.
મેવાણીએ પ્રહાર કરતા કહ્યું કે આ તો મર્યા બાદ પણ આ રાજ્યની અંદર એવી પરિસ્થિતી છે કે દલિતોને સ્મશાનમાં એક જગ્યાએ એક લાકડે બાળવા માટે તૈયાર નથી. એક ગામ એક સ્મશાનની નીતિ લાવો તો સામાજિક ન્યાય મળે.
તેમણે કહ્યું કે ગુજરાતની અંદર જ્યાં અસ્પૃશ્યતા પળાય છે, જ્યાં પણ દલિતોના વાળ કાપતા નથી, જ્યાં પણ કુવામાંથી પાણી લેવા દેતા નથી, જ્યાં પણ મંદિરમાં પ્રવેશ નથી ત્યાં રાજ્ય સરકાર પ્રોએક્ટીવલી સામે ચાલીને આ અસ્પૃશ્યતા દૂર કરવા જાય અને છતાં પણ જે લોકો અસ્પૃશ્યતા પાળે, એની સામે ‘પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ એક્ટ્’ની લાગુ પડતી કલમ મુજબ ગુનો દાખલ થાય. પરંતુ એક પણ ગુનો દાખલ થતો નથી, આ તકલીફ છે.
વિધાનસભામાં બોલતા તેમણે કહ્યું કે વર્ષ 2018ની નવમી માર્ચે નાનજીભાઇ સોંદરવા નામના રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામના એક ભાઇનું ખૂન થયું. પોતાનું ખુન થાય એની પહેલાં ત્રણ મહિના પૂર્વે વીડિયો બનાવ્યો કે, આટલા આટલા માણસો, આટલા આટલા દિવસમાં મારું ખૂન કરશે એ બાદ પણ એમનું ખૂન થયું.એટ્રોસિટી એક્ટ શું કહે છે કે, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ એટલે દલિત અને આદિવાસીનું ખૂન થાય પછી હરકતમાં નહીં આવવાનું.એમની ઉપર અત્યાચાર ન થાય એ માટેનો સ્પેશ્યલ લેજીસ્લેશન છે. પન અહીં તો માણસ વીડિયો બનાવે કે, મારૂ ખૂન થશે છતાં એને પ્રોટેક્ટ કરવામાં આવતો નથી, અને એના એક વર્ષ બાદ એનો દિકરો સતત કહેતો રહ્યો કે, હવે મને મારી નાખશે, એનું પણ ખૂન થયું. સર્વમિત્રની છાપ ધરાવતા વિજય રૂપાણી દલિત-મિત્ર બને અને એટ્રોસિટીની ઘટનાની મુલાકાત લે અને આ 15મી ઓગષ્ટ પહેલાં ગુજરાતનું કોઈ પણ એક ગામ અસ્પૃશ્યતા મુક્ત જાહેર કરવાની માંગ કરી હતી.