“છોટા શકીલનો ખાસ છું, સુરતમાં બહુ કમાયો છે, 1.5 કરોડ રૂપિયા આપી દે જે”: સુરતના વેપારીને ધમકી

સુરતમાં વેપાર કરતા વેપારીને રાજા નામના વેપારી પાસેથી વેપારના 10 લાખ રૂપિયા 2016થી લેવાના હતાં. રઝા પોતે છેલ્લા કેટલાક સમયથી સુરત છોડીને દુબઈમાં રહે છે. થોડા દિવસ પહેલા રઝાએ સુરતના વેપારીને ફોન કરીને કહ્યું કે, તે સુરત આવવા માંગે છે. વેપારીએ કહ્યું કે સુરત આવે તો મને શું વાંધો પરંતુ સુરત આવે એટલે મને 10 લાખ આપી દેજે. ત્યાર બાદ રઝાએ કહ્યું કે, મારે કોઈ રૂપિયા આપવાના થતા નથી. મારી સાહેબ સાથે વાત થઈ છે. ત્યારે સુરતના વેપારીએ કહ્યું કે, કયા સાહેબ સાથે શું વાત થઈ છે. રઝાએ કહ્યું કે, ફોન આવી જશે. પછી સુરતના વેપારી પર દુબઈથી છોટા શકીલના ખાસ ગણાતા ફહીમ મચમચ અને અહેમદ રઝાનો ફોન આવે છે. આ બંનેએ વેપારીને ધમકી આપતા કહ્યું, 10 લાખ ભૂલી જાવો. સુરતમાં બહુ રૂપિયા કમાયા છો, દોઢ કરોડ આપી દે. ત્રણ દિવસમાં નહીં આપે તો તને પતાવી દઈશું.

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુપ્ત ફરિયાદ લઈને આરોપી છોટા શકીલ, ફહીમ મચમચ, અહેમદ રઝા વિરુદ્ધ ખંડણી અને ધમકીની તપાસ શરૂ કરી છે. ફરિયાદ પહેલા જ આરોપી અહમદરઝા વઘારિયાની મુંબઈ પોલીસે મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી હતી. અહમદ રઝા મૂળ સુરતનો છે. પોલીસે વેપારીની ઓળખ છતી ન થાય તેવો વિશ્વાસ અપાવ્યો હોવાથી સુરક્ષાના કારણોસર તેનું નામ જાહેર કરતા નથી.