જૂનાગઢમાં 60માંથી 54 સીટ પર ભાજપની જીત, કોંગ્રેસના સૂપડા સાફ, જીતી માત્ર એક જ બેઠક

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભગવો લહેરાતા ભાજપના કાર્યકરોએ વિજયની જબરદસ્ત ઉજવણી કરી હતી. ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. પાલિકી ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો જેમાં સત્તાધારી ભાજપ સામે કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો મેદાને હતા. ચૂંટણીમાં કુલ 49.68 ટકા મતદાન થયું હતું.

આજે સવારે 9.00 વાગ્યાથી કૃષિ યુનિવર્સિટીમાં શરૂ થયેલી મતગણતરીમાં ભાજપે કાઉન્ટિંગના પ્રથમ બે કલાકની અંદર જ 15માંથી 5 વોર્ડમાં વિજય મેળવી લીધો હતો. વર્ષ 2004 બાદ ભાજપે પહેલી વાર ઐતિહાસીક જીત મેળવી હતી. સત્તાધારી ભાજપે ચૂંટણીમાં 60માંથી 54 બેઠકો જીતી હતી જ્યારે પ્રથમ વખત જ ચૂંટણી લડેલી NCPએ એક પેનલ અને એક ઉમેદવાર મળી 4 બેઠકો જીતી હતી. આમ આ ચૂંટણીમાં કોંગ્રેસ કરતાં એનસીપી વધુ ખીલ્યું હતું જ્યારે કોંગ્રેસ કમળની સામે સાવ કરમાઈ ગઈ હતી. કોંગ્રેસ માત્ર એક જ બેઠક પર જીત મેળવી શકી છે.

નાગઢમાં વર્ષ 2014માં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 44 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપે 54 બેઠકો જીતી ઇતિહાસ રચ્યો છે. 60 બેઠકો ધરાવતી મનપામાં ભાજપની પ્રચંડ જીતને ઉજવવા માટે સીએમ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણી આવતીકાલે જૂનાગઢ જશે. જૂનાગઢમાં વિજય સરઘસ અને સભાનું આયોજન રાખવામાં આવ્યું છે.

ચૂંટણીમાં 1,10,496 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 277 મતદાન મથકો પર મતદાન થયું હતું. આજે 15 વોર્ડની 60 બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે. 2014માં યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ 44 બેઠકો પર વિજય મેળવ્યો હતો