ગુજરાત વિધાસભામાં દુષ્કર્મના બનાવો અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જવાબ આપ્યા હતા. ગુજરાતમાં દુષ્કર્મની ફરીયાદોનો આંકડો ચોંકાવનારો બન્યો છે. જોકે, પોલીસ વિભાગે મોટાભાગના કેસોમાં દાખલારૂપ કાર્યવાહી કરી છે.
ગુજરાતમાં ગયા પાંચ વર્ષ દરમિયાન સામૂહિક દુષકર્મની કુલ 97 ઘટનાઓ બની છે. જેમાં 15 બનાવો અમદાવાદમાં બન્યા છે. અમદાવાદ નંબર એક પર છે. આવી ઘટનાઓમાં 23 આરોપીઓને હજુ સુધી પકડી પાડવામાં આવ્યા નથી. નવ બનાવ સાથે સુરત બીજા નંબરે છે જ્યારે સાત ઘટના સાથે પંચમહાલ ત્રીજા નંબરે છે.
કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જવાબ આપ્યો હતો. અમદાવાદમાં રાત્રે પણ મહિલાઓ કશે પણ હરીફરી શકે છે તેવા દાવાને આવા બનાવોએ ખોટા સાબિત કર્યા છે.
ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં સાત વર્ષમાં સામૂહિક દુષકર્મની કુલ 97 ઘટના બની છે. આ મામલે અત્યાર સુધી 408 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 23 આરોપી ફરાર છે. અમદાવાદમાં સૌથી વધુ 15, સુરતમાં 9, પંચમહાલમાં સાત, ગીર-સોમનાથમાં પાંચ, રાજકોટમાં પાંચ, ભાવનગરમાં ચાર અને દાહોદમાં ચાર બનાવ નોંધાયા છે.