અમદાવાદ રાઈડ દુર્ઘટનાની ઈફેક્ટ: રાજકોટના લોકમેળાનો ચાર કરોડનો વીમો ઉતારાયો

ગયા અઠવાડિયે અમદાવાદના કાંકરીયા પાર્કમાં રાઈડ તૂટી પડવાની ઘટનામાં લોકો માર્યા ગયા અને અન્ય કેટલાકને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. કાંકરીયાની ઘટનાની ઈફેક્ટ રાજકોટના લોકમેળા પર જોવા મળી રહી છે. અમદાવાદની ઘટનાનાં પગલે રાજકોટનું તંત્ર હરકતમાં આવ્યું છે અને લોકમેળાનો વીમો ઉતાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ ખાતે પરંપરાગત રીતે લોકમેળો યોજવામાં આવે છે. 22 ઓગષ્ટથી 26 ઓગષ્ટ દરમિયાન મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભવ્ય મલ્હાર લોકમેળાનો તંત્ર દ્વારા વીમો ઉતારવામાં આવ્યો છે.

મેળા દરમિયાન કોઈ અઘટિત ઘટનાને ટાળવા માટે અગમચેતીના તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે. કલેક્ટર તંત્ર દ્વારા મેળાનો ચાર કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. આ ઉપરાંત મેળામાં મૂકવામાં આવનારી તમામ રાઈડ્સની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર બાદ જ રાઈડ્સને મેળામાં ગોઠવવામાં આવશે. જો કોઈ રાઈડ્સમાં ખામી જણાઈ આવશે તો તેને મેળામાં મૂકવા દેવામાં આવશે નહીં.