મુંબઈનાં બાન્દ્રા વેસ્ટમાં આવેલી MTNLની બિલ્ડીંગમાં આજે સાંજે ભયાનક આગ ફાટી નીકળી હતી. 100 જેટલા લોકો બિલ્ડીંગના ટેરેસ પર ફસાયા હોવાની માહિતી મળી રહી છે, રેસ્કયૂ ઓપરેશન જોરમાં કરવામાં આવી રહ્યું છે. ટેલિકોમ વિભાગની આ બિલ્ડીંગમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડનાં 14 બંબાઓ પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા તથા ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્કયૂ ઓપરેશન પૂરજોરમાં શરૂ કરવામાં આવ્યું છે. ક્રેઈનથી ટેલિકોમ વિભાગના કર્મચારીઓને સલામત રીતે બિલ્ડીંગમાં કાઢવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં પંદર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
બિલ્ડીંગના ત્રીજા અને ચોથા માળે આગ લાગી હતી. આગ લાગવાના કારણ અંગે ચોક્ક્સ માહિતી મળી રહી નથી. બિલ્ડીંગના લોકોને વાયર બળવાની ગંઘ આવી હતી અને ત્યાર બાદ લોકોએ નાસભાગ કરી મૂકી હતી. ફાયરના બંબાઓ ઉપરાંત રોબોટ વાન પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવના પ્રયાસો ચાલી રહ્યા છે.