11 વર્ષમાં મુકેશ અંબાણીની સેલેરી નથી વધી: પિતરાઈ ભાઈઓ-ડિરેક્ટરોની સેલેરી થઈ લાખો-કરોડોમાં, પગારના આંકડા જોઈ ચોંકી જશો

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સતત 11મા વર્ષે પણ સેલેરી પેકેજ વધાર્યું નથી. તેમનું પેકેજ પંદર કરોડ રૂપિયા પર સ્થિર છે.

મુકેશ અબાણી આજે જે સેલેરી લઈ રહ્યા છે તે 2008-09માં નક્કી કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી મુકેશ અંબાણીની સેલેરીમાં વધારો થયો નથી.

RILએ પોતાના તાજા રિપોર્ટમાં કહ્યું છે કે મુકેશ અંબાણીનું વેતન 15 કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યું છે. 2018-19 માટે તેમના પારિક્ષમિક વેતન અને ભથ્થાના રૂપે 4.45 કરોડ નક્કી કરાયા હતા. પાછલા નાણાકીય વર્ષ 2017-18માં આ ભથ્થું 4.49 કરોડ રૂપિયા હતું.

સેલેરી પેકેજમાં કમિશનના 9.53 કરોડ રૂપિયા છે. જ્યારે બાકીની સુવિધા માટે 27 લાખ રૂપિયાથી વધારીને 31 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. રિટાયરમેન્ટ બેનિફિટ 71 લાખ રૂપિયા છે. કુલ મળીને મુકેશ અંબાણીની સેલેરી 15 કરોડ રૂપિયા વાર્ષિક થવા જાય છે.

31 માર્ચ-2019ના પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં રિલાયન્સના અન્ય ડાયરેક્ટર્સની સેલેરીમાં ખાસ્સો વધારો થયો છે. મુકેશ અંબાણીના પિતરાઈ ભાઈ નિખિલ મેસવાણી અને હિતલ મેસવાણીને 2018-19માં અનુક્રમે 20.57 અને 20.57 કરોડનો પેકેજ આપવામાં આવ્યો હતો. 2017-18માં આ પેકેજ 19.99 અને 2016-17માં 16.58 કરોડ રૂપિયા હતું. 2015-16માં નિખીલનું સેલેરી પેકેજ 14.42 અને હિતલનું 14.41 કરોડ રૂપિયા હતું. જ્યારે 2014-15માં 12.03 કરોડ રૂપિયા હતું.

રિલાયન્સના કાર્યકારી ડિરેક્ટર પીએમએસ પ્રસાદનું સેલેરી પેકેજ 8.99 કરોડથી વધારીને 10.01 કરોડ કરવામાં આવ્યું છે. જ્યારે રિલાયન્સ રીફાઈનરીના ચીફ પવન કુમરા કપિલનું સેલેરી પેકેજ 3.47 કરોડથી વધારીને 4.17 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.

RILના રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીના પત્ની અને બિન કાર્યકારી ડિરેક્ટર નીતા અંબાણીને કમિશન પેટે 1.65 કરોડ રૂપિયાની સેલેરી આપવામાં આવશે.આ ઉપરાંત નીતા અંબાણીની સિટીંગ ફી 6 લાખથી વધારીને સાત કરવામાં આવી છે. જ્યારે 2017-18માં આ સેલેરી 1.5 કરોડ અને તે પહેલા 1.3 કરોડ હતી. ભારતીય સ્ટેટ બેન્કના પૂર્વ ચેરમેન અરુંઘતી ભટ્ટાચાર્યને કમિશન રૂપે માત્ર 75 લાખ રૂપિયા મળસે કારણ કે 2018ના ઓક્ટોબર મહિનામાં તેમણે RILના બોર્ડને જોઈન કર્યું હતું.

આ ઉપરાંત અન્ય ડિરેકટરોમાં માનસિંહ એલ ભગત, યોગેન્દ્ર ત્રિવેદી, દીપક જૈન, રઘુનાથ માશેલકર, આદિલ જૈનુલભાઈ, રામિંદરસિંહ ગુજરાલ, શમીત બેનરજીના સેલેરી પેકેજમાં પણ વધારો કરવામાં આવ્યો છે.