પસંદગી સમિતિના ચેરમેન પ્રસાદનું મોટું નિવેદન: ટીમમાં હવે પછી કદાચ જોવા નહીં મળે ધોની

ઓગષ્ટમાં શરૂ થઈ રહેલી વેસ્ટઈન્ડીઝ સાથેની સિરીઝ માટેની ટીમ ઈન્ડીયાનું એલાન કરવામાં આવ્યું છે. કેપ્ટનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્રણેય સેગમેન્ટ માટે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે એમએસ ધોનીની ગેરહાજરીમાં ઋષભ પંતને ટી-20 અને વનડે માટે કિપીંગની જવાબદારી સોંપાઈ છે. જોકે, ટેસ્ટ સિરીઝ માટે વૃદ્વિમાન સાહાનો સમાવેશ કરાયો છ. સાહા ટેસ્ટમાં કિપીંગ કરશે.

પસંદગી સમિતિના ચેરમેન એસએસકે પ્રસાદના પ્રમુખ પદે મળેલી મીટીંગ બાદ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ચેરમેન પ્રસાદે પત્રકારો સાથે વાત કરી હતી. ધોની અંગે વાત કરતા ચેરમેન પ્રસાદે કહ્યુંકે હવે ધોનીની પસંદગી ટીમમાં નિશ્ચિત નથી. ધોનીને લઈ માત્ર વર્લ્ડ કપનું પ્લાન કર્યું હતું. વર્લ્ડ કપ બાદ નક્કી કરાયું હતું કે અન્ય ખેલાડીઓને તક આપવામાં આવશે.

નોંધનીય છે કે વર્લ્ડ કપ બાદ ધોનીના રિટાયરમેન્ટ અંગે અટકળો ચાલી રહી છે. જોકે, ધોનીએ આ અંગે હજુ કશો ફોડ પાડ્યો નથી. જ્યારે BCCIના નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યુ છે કે ટીમમાં ધોનીનો રસ્તો હવે પછી જરાય આસાન નથી.