ગુજરાતમાં વરસાદની રી-એન્ટ્રી: અનેક ઠેકાણે ઝાપટાં પડ્યા

ગુજરાતમાં વાયુ-વાવાઝોડા બાદ લાંબા સમયના વિરામ પછી શનિવારે સમગ્ર રાજ્યમાં ધીમીધારે વરસાદ પડવાનો શરૂ થતાં હવે ખેતીને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. અમરેલી, ભાવનગર, વડોદરા, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ અને બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો જેથી કાળઝાળ ગરમી વચ્ચે વાતારણમાં ઠંડક પસરી ગઈ હતી.

જામનગર અને દ્વારકા સિવાય સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન છે. જોકે દેવભૂમિ દ્વારકામાં વરસાદ થયો નથી. ત્યારે પરેશાન ખેડૂતએ સુકાયેલા પાકની હોળી કરી છે. દ્વારકામાં દરવર્ષે મગફળી જિલ્લાનું પુષ્કળ ઉત્પાદન થાય છે.જોકે આ વર્ષે શરૂઆતમાં થયેલા વરસાદ બાદ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો અને ખાતરથી વાવણી કરી હતી. જોકે બાદમાં વરસાદ ખેંચાયો. અને સિંચાઈ માટે પાણી પણ રહ્યુ નથી.ત્યારે જગતનો તાત ચિંતિત બન્યો છે. મગફળીના પાક ને પાણી પણ વધારે જોતું હોઈ વરસાદ ખેંચાતા મગફળીનું બિયારણ નિષ્ફળ થવાને આરે છે. ત્યારે ખેડૂતોને બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ છે. ત્યારે ખેડૂતોએ પોતાના સુકાયેલા પાકની હોળી કરી હતી.
અનેક જિલ્લાઓમાં ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જેથી ખેડૂતોએ કરેલા વાવેતરને હવે જીવતદાન મળી જવાની આશા ખેડૂતોમાં બંધાઈ હતી. શનિવારે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત , સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના અંબાજી નજીક દાંતા પંથકમાં વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, ડાંગ જિલ્લાના સુબિર પંથકમાં ધમાકેદાર વરસાદ પડ્યો હતો. જ્યારે મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુર પંથકમાં પંદર દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી હતી અને છોટા ઉદેપુરના લગભગ તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પંદર દિવસથી વરસાદે વિરામ લેતા ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ હતા, તેવા સમયે અચાનક વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ગુજરાતના મોટાભાગના તાલુકા, જિલ્લાના લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. રાજ્યમાં વરસાદી મહેર થતાં અસહ્ય ગરમીથી લોકોને છૂટકારો થયો હતો અને વાતાવરણાં ઠંડક પસરી ગઈ હતી. જ્યારે રાજ્યના હવામાન વિભાગે અમદાવાદ, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છમાં, વલસાડ, છોટા ઉદેપુર સહિત નવસારીમાં તા.21મી જુલાઈ થઈ તા. 22મી જુલાઈ સુધીમાં વરસાદ પડશે. જ્યારે 24-25 તારીખે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થવા આગાહી કરી હતી. નૈઋત્યનું ચોમાસુ પશ્ચિમમાં રાજસ્થાનમાં પ્રવેશી ચુક્યું છે. જેથી આગામી બે-ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જશે. સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશાલીનો માહોલ ફેલાયો હતો.