પુરુષોત્તમ રૂપાલા તાડુક્યા: શું ગુજરાતી હોવું એ અંબાણી-અદાણીનો ગુનો છે?

શુક્રવારે રાજ્યસભામાં કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કિસાન ફસલ વીમા યોજનાને રાફેલ કરતાં પણ મોટું કૌભાંડ બતાવવા અંગે કડક જવાબ આપ્યો હતો. પુરુષોત્તમ રૂપાલાએએ કહ્યું કે ઉદ્યોગપતિ અદાણી-અંબાણીનો ગુનો એટલો છે કે તેઓ ગુજરાતી છે.

રાજ્યસભામાં કૃષિ સંબંધી ચર્ચામાં ભાગ લેવા દરમિયાન કોંગ્રેસના સાંસદ છાયા વર્માએ કહ્યું કે સરકારની કિસાન ફસલ વીમા યોજના રાફેલ કરતાં પણ મોટું કૌભાંડ છે. ચર્ચામાં હસ્તક્ષેપ કરી કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી પુરુષોત્તમરૂપાલાએ કિસાન ફસલ વીમા યોજનાને રાફેલ કરતાં પણ મોટું કૌભાંડ બતાવવા સામે વિરોધ અને વાંધો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે કિસાન ફસલ વીમા યોજનાને રાફેલ સાથે જોડવાનો મતલબ શું છે? શું દેશમાં બે જ ઉદ્યોગપતિ છે, અદાણી અને અંબાણી. દરેક વસ્તુમાં અદાણી-અંબાણી..મને તો લાગે છે કે તેમનો ગુનો એટલો છે કે તેઓ ગુજરાતી છે. વડાપ્રધાન મોદી પણ ગુજરાતી છે અને તેના કારણે દરેક વસ્તુને તેમની સાથે જોડી દેવાનો ચીલો પડી ગયો છે.

પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે અનિલ અંબાણીનો કુલ કોન્ટ્રાક્ટ 800 કરોડ રૂપિયાનો છે. આમાં આરોપ મૂકવામાં આવે છે કે અનિલ અંબાણીના ગજવામાં 30 હજાર કરોડ રૂપિયા નાંખી દેવામાં આવ્યા છે. આ કેવી રીતે સંભવી શકે છે. રાફેલે દેશના 100 લોકોને કામ આપ્યું છે તો એકલા અંબાણી પર જ સવાલ કેમ કરવામાં આવે છે. આ મુદ્દે એટલા માટે જવાબ આપવામાં આવી રહ્યો છે કે ગૃહમાં સાંસદ દ્વારા સવાલ ઉભો કરવામાં આવ્યો છે. જો મારી વાતથી કોઈને દુખ થતું હશે તો તે માટે ખેદ પ્રગટ કરું છું.