હાર્દિક પટેલની પત્ની કિંજલે ગાંધીનગર ટાઉન હોલને ગજવ્યું : લગ્નની પહેલી રાતે હાર્દિકે કહેલી વાતને સરાજાહેર કરી, જાણો શું હતી વાત

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલના આજના જન્મ દિવસે ગાંધીનગર ટાઉન હોલમાં સભા રાખવામાં આવી હતી. મોટી સંખ્યામાં યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌના આશ્ચર્ય વચ્ચે હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલની એન્ટ્રી થઈ અને કિંજલ પટેલે એક પછી એક વાતો કરી તો આખોય હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો. પહેલી વખત કિંજલ પટેલે આવી રીતે સભાને સંબોધન કર્યું હતું.

કિંજલ પટેલે હાર્દિક અંગે કહ્યું કે જ્યારથી હું હાર્દિકને ઓળખું છું ત્યારથી હાર્દિક સ્ત્રીઓનું સન્માન કરે છે અને સ્ત્રીઓને શક્તિ રૂપે જ માને છે. હાર્દિકની પત્ની છું એટલા માટે કહેવા નથી આવી પણ હાર્દિકની વિચારધારા ગુજરાતના હિતની છે. હાર્દિક ગુજરાતના હિતને લઈને ચાલે છે.હાર્દિકને મહિલાઓ, યુવાનો અને બેરોજગાર યુવાનો માટે કશુંક કરવું અને તે સતત એવા જ કામોમાં પ્રોવાયેલો રહે છે.

કિંજલ પટેલે હાર્દિક સાથે લગ્ન કર્યા તો પહેલી રાત્રે હાર્દિકે શું કહ્યુ હતું તે અંગેની વાત સરાજાહેર કરીને કહ્યું કે લગ્નની પહેલી રાત્રે હાર્દિકે મને દેશના સંવિધાનની સમજ આપી હતી. મહિલા સશક્તિકરણ અંગે સમજાવ્યું હતું. મને ગર્વ થાય છે કે હાર્દિક મારા પતિ છે. અને મારા સાસુ પર ગર્વ થાય છે કે જેમણે હાર્દિક જેવા વીરને જન્મ આપ્યો છે.

કિંજલે કહ્યું કે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે અમે અહીંયાથી એક રૂપિયો મોકલીએ છીએ લોકોને 25 પૈસા મળે છે. આજે પણ આ સ્થિતિ બદલાઈ નથી. સરકાર મોટી મોટી યોજના તો જાહેર કરે છે પણ તેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગ સુધી પહોચતો નથી.

તેણે કહ્યું કે હાર્દિકને ઘરથી દુર રાખવામાં આવ્યો, પરિવારથી દુર રાખવામાં આવ્યો, નવ-નવ મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યો. આજે પણ તેના માથા પર 32 કેસ છે. છતાં અડીખમ રીતે હાર્દિક તમામ સંઘર્ષોનો સામનો કરી રહ્યો છે.