નર્મદા પાણી વિવાદ: કમલનાથ અને રૂપાણી સામ-સામે, ગુજરાતના મુખ્યમંત્રીએ રાજકોટમાં આપ્યો આવો જોરદાર જવાબ

મધ્યપ્રદેશ સરકારના નર્મદા પાણી મુદ્દે અપાયેલા જવાબ મામલે વિજય રૂપાણીએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી પ્રતિ ઉત્તર આપ્યો હતો. તેમણે કહ્યું કે, વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ પ્રકારના નિવેદનો એ તેમની માનસિકતા છતી કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં કારમા હારના પરિણામો તેઓ પચાવી શકતા ન હોય તેવું લાગી રહ્યું છે.

તેમણે કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, અગાઉ પણ નર્મદા યોજના ગુજરાત પુરી ન કરે એ માટે પણ કોંગ્રેસે અનેક પ્રયત્નો કર્યા હતા. આ કારણે લોકો સાથેનું અહીત કરવાની વૃતિ પણ છતી થાય છે.

તેમણે મધ્યપ્રદેશની સરકારને રાજકારણ ન રમવા બાબતે કહ્યું હતું કે, મહેરબાની કરીને નર્મદાના પ્રશ્ને કોઈ રાજકારણ ન રમે, તેમાં જનતાનું હિત નથી હોતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, મધ્યપ્રદેશની સરકારે આપેલા નિવેદનોમાં માહિતીનો સંપૂર્ણ અભાવ છે અને બાલિશ નિવેદનો છે. 1979ના ચૂકાદાની વાતનો તેમણે ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કોઈ પણ રાજ્યને આ કાનૂનમાં ફેરફાર કરવાનો અધિકાર નથી.

મધ્યપ્રદેશની સરકારે કહ્યું હતું કે વિજળીનું ઉત્પાદન કરતા નથી. જેના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેટલું વિજ ઉત્પાદન થાય છે તેના આંકડા આપી મધ્યપ્રદેશ સરકારના નિવેદનોને પોકળ સાબિત કર્યા હતા.

તેમણે અન્ય રાજ્યોનો ઉલ્લેખ કરી ભૂતકાળની સ્થિતિ વિશે કહ્યું હતું કે, 40 વર્ષથી ચારે રાજ્યોના સહકારથી કામ કરી રહ્યા છે. કોંગ્રેસની મધ્યપ્રદેશની સરકાર માત્ર અને માત્ર આ રાજકીય રીતે કરી રહી છે. ગુજરાત કોંગ્રેસે પણ આનો જવાબ આપવો જોઈએ. જ્યારે ચારે તરફ વરસાદ ખેંચાયેલો હોય અને વરસાદ ન હોય ત્યારે ખંધુ રાજકારણ રમવું ન જોઈએ.

નર્મદા ડેમના પાણી મામલે શરૂ થયેલા વિવાદ બાદ એમપીના સીએમ કમલનાથે પ્રતિક્રિયા આપી.. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ડેમના પાણી માટે જે કરાર કરવામાં આવ્યો તે મુજબ ગુજરાતને પાણી આપવામાં આવશે. કરાર સિવાયનું પાણી કોઈને પણ આપવામાં નહીં આવે. કમલનાથની આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે એમપી સરકારના પ્રધાને જણાવ્યુ હતુ કે, નર્મદાનું પાણી ગુજરાતને આપવામાં નહીં આવે.. જે બાદ રાજ્યમાં ઘમાસાણ શરૂ થયુ છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં જળ સપાટી વધી રહી છે. વરસાદી પાણીની આવક મુજબ મધ્યપ્રદેશ નર્મદા ડેમમાં પાણી છોડી રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં મધ્યપ્રદેશે 69,596 ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડાયું છે. પાણી છોડવાની ન કહ્યા બાદ સૌથી વધુ પાણી 19 જુલાઈએ 24,299 ક્યુસેક પાણી છોડ્યું.

છેલ્લા 10 દિવસ દરમિયાન કેટલું પાણી છેડ્યું તેની પર નજર કરીએ તો 10 જુલાઈએ 2,068 ક્યુસેક. 11 જુલાઈએ 1,831 ક્યુસેક. 12 જુલાઈએ 6,625 ક્યુસેક, 13 જુલાઈએ 10,670 ક્યુસેક પાણી છોડાયું હતું. તો 14 જુલાઈ પાણી છોડાયું ન હતું. જ્યારે 15 જુલાઈએ 2,190 ક્યુસેક, 16 જુલાઈએ 4,063 ક્યુસેક, 17 જુલાઈએ 5,428 ક્યુસેક. 18 જુલાઈએ 12,422 ક્યુસેક અને 19 જુલાઈએ સૌથી વધુ 24,299 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.