સોનભદ્ર જઈ રહેલા પ્રિયંકા ગાંધીને હિરાસતમાં લેવાયા, જાણો પછી શું થયું?

સોનભદ્ર નરસંહાર બાદ ઉત્તરપ્રદેશમાં રાજકીય જંગ શરૂ થઈ ગયો છે. આજે પીડિતોના પરિવારની મુલાકાતે જઈ રહેલા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જવા માટે મંજુરી આપવામાં આવી ન હતી, તેમને નારાયણપુર પાસે જ રોકી લેવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેમને હિરાસતમાં લઈ લીધા હતા. સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

પ્રિયંકા ગાંધી આજે સોનભદ્રમાં ફાયરીંગ મામલે પીડિતોને મળવા જઈ રહ્યા હતા. તેમને નારાયણપુર પાસે અટકાવી દેવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સોનભદ્રના પીડિત પરિવારોને મળવા માંગુ છું. મેં પોલીસને કહ્યું કે મારી સાથે માત્ર ચાર લોકો જ રહેશે. પણ પ્રશાસને ત્યાં જવાની પરવાનગી આપી નથી. પોલીસ જણાવે કે શા માટે રોકવામા આવ્યા છે. અમે શાંતિથી પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેસી રહીશું.

મીડિયા સાથે વાતચીત કર્યા બાદ પ્રિયંકા ગાંધી નારાયણપુર પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેસી ગયા. પોલીસે ત્યાર બાદ તેમની અટક કરી લીધી. અટકને લઈ પ્રિયંકાએ કહ્યું કે પોલીસવાળા અમને જ્યાં લઈ જવા માંગતો હોય ત્યાં અમે જવા તૈયાર છીએ. અમે પીડિત પરિવારોને મળવા માંગીએ છીએ અને અમે ત્યાં જઈને જ રહીશું.

સોનભદ્રમાં જમીન વિવાદમાં 10 લોકોની હત્યા કર દેવામાં આવી છે. જ્યારે 24 કરતાં વધુ લોકોને ઈજા પહોંચી હતી. પોલીસે 24 લોકોને પકડ્યા છે અને અન્ય ગુનેગારોને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે.