એક સમયે સાથી રહેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે હવે રાજકીય યુદ્વ જામશે એવું લાગે છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જતા હાર્દિક પટેલે ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અલ્પેશ ઠાકોરનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
હાર્દિકે ગુજરાતી ન્યૂઝ ચેનલને કહ્યું કે એક સમય એવો હતો હિન્દીભાષી-પરપ્રાંતીયો પરના હુમલા અંગે ભાજપે અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો. હવે ભાજપમાં આવી ગયા તો વખાણ કરવા મંડી પડ્યા છે. એકવર્ષમાં ધારાસભ્ય હોવા છતાં અલ્પેશ ઠાકોરે રોજગારી, દારુબંધી જેવા મુદ્દાઓને ગૃહમાં ઉઠાવ્યા નથી ગુજરાતમાં લાખો લીટર દારુ વેચાય છે અને પકડાય છે પણ જે મુદ્દા માટે અલ્પેશ ઠાકોરે આંદોલનો કર્યા હતા તે પ્રત્યે તેમણે પ્રમાણિકતા સાથે ધારાસભ્ય રહીને કામ કર્યું નથી.
હાર્દિકે આગળ કહ્યું કે મને દુખ લાગે છે કે વ્યક્તિગત સ્વાર્થ ખાતર ભાજપમાં જોડાયા છે તો તેમને મારા તરફથી બેસ્ટ ઓફ લક. તેમણે આ પગલું લોકો માટે નથી ભર્યું. મંત્રી બનવા માટે ભર્યું છે. પીએમ મોદીના વખાણ કર્યા છે તે સત્તાની લાલચ માટેના વખાણ છે.
હાર્દિકે ઉમેર્યું કે હવે સરકારમાં આવી રહ્યા છો તો ટાટા, અંબાણી અને બિરલાની કંપનીઓમાં ગુજરાતી યુવાનોને રોજગારી આપવાજો. જે સમસ્યાઓ માટે આંદોલનો કર્યા હતા તે સમસ્યાઓનું સરકારમાં બેસીને સમધાન કરાવજો.
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર હુમલા કર્યા હતા તો એ અંગે હાર્દિકે કહ્યું કે એક વર્ષમાં કોંગ્રેસ કેટલું આપે. ધારાસભ્ય બન્યા, અન્ય ધારાસભ્યો બનાવાયા, પ્રભારી બન્યા અને અન્ય હોદ્દાઓ આપ્યા. હવે કોંગ્રેસ કેટલું આપે. આટલું મેળવવા માટે તો એક કોંગ્રેસીનું જીવન ખર્ચાઈ જાય છે.