પ્લેનમાં મુસાફરી કરનારા મુસાફરો માટે મોદી સરકાર ગિફટ આપવા જઈ રહી છે. સરકાર દ્વારા આ યોજના લાગૂ કરી દેવાથી હવાઈ મુસાફરી કરતા મુસાફરોને એરપોર્ટ પર ઓળખની ઝંઝટમાંથી છૂટકારો મળવાનો છે. આ યોજના થકી એરોપોર્ટ પર આઈડેન્ટીટી કાર્ડ સાથે લઈ જવાની જરૂર રહેશે નહીં.
કેન્દ્ર સરકાર ડિસેમ્બર-2019થી DIGI યાત્રા શરૂ કરવા જઈ રહી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિસ એવિએશન (DGCA)એ તમામ પક્ષા પાસેથી આ અંગેના સૂચનો મંગાવ્યા છે.
ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે DIGI યાત્રા અંતર્ગત મુસાફરોએ બાયોમેટ્રીક કરવાનું જરૂરી રહેશે. એક વાર બાયોમેટ્રીક કરાવ્યા બાદ મુસાફરોએ કોઈ પણ આઈડેન્ટીટી કાર્ડને સાથે રાખવાનીજરૂર રહેશે નહીં. આ ઉપરાંત ટીકીટ બૂકીંગના સમયે પણ મુસાફરોએ હાર્ડ કે સોફ્ટ કોપીની જરૂર રહેશે નહીં.
જાણકારી પ્રમાણે મુસાફરોએ બાયોમેટ્રીક કરવા માટે આધાર કાર્ડની અનિવાર્યતા રહેશે નહીં. આધાર કાર્ડને બાયોમેટ્રીક માટે વિકલ્પ તરીકે રાખવાની વિચારણા છે. પ્રથમ તબક્કામાં દેશના મોટા એરપોર્ટ પર DIGI યાત્રા અથવા ઈ-બોર્ડીંગ લાગૂ કરવાની યોજના છે. દિલ્હી, મુંબઈ, વારાણસી, હૈદ્રાબાદ, વિજયવાડા, બેંગ્લુરુ, કોચી, પૂણે અને કોલકાતા એરપોર્ટને પ્રથમ તબક્કામાં સામેલ કરવામાં આવ્યા છે.