મોબ લિંચિંગ અંગે આવા પ્રકારનો સખત કાયદો ઘડી રહી છે રાજસ્થાન સરકાર

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ મોબ લિંચિંગને કાબૂમાં લેવા માટે મણિપુર સિવાય અન્ય કોઈ રાજ્ય દ્વારા કડક કાયદા બનાવવામાં આવ્યા નથી. પણ હવે કોંગ્રેસ શાસિત રાજસ્થાન સરકાર જાગી છે. રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકાર આ દિશામાં પહેલ કરી રહી છે. રાજસ્થાન સરકારે મોબ લિચિંગ વિરુદ્વ આકરો કાયદો ઘડવાનો નિર્ણય કર્યો છે.

ટોળા દ્વારા થતી હિંસા અને હત્યાઓને રોકવા માટે કાયદામાં કડક જોગવાઈ કરવામાં આવશે જેથી કરીને ટોળા દ્વારા કોઈના ઉપર પણ અત્યાચાર કે જોર જુલમ ગુજારવામાં આવ્યો હશે તો તેની સામે કાયદા દ્વારા આકરી સજા નક્કી કરવામાં આવશે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે વિધાનસભામાં બજેટ ભાષણ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ કે રાજસ્થાનમાં બળાત્કાર, મોબ લિંચિગ અને ઓનર કિલિંગ જેવી ઘટનાઓને કાબૂમાં લેવા માટે સખત કાયદો બનાવવામાં આવશે અને કાયદા અંગે બાળકોને સ્કૂલ સેલેબસમાં જાણકારી પણ આપવામાં આવશે.
અશોક ગેહલોતે કહ્યું કે 15-20 લોકો ટોળા રૂપે ભેગા થઈ જાય છે અને એક શખ્સને ખતરનાક રીતે મારે છે. સમાજમાં વધી રહેલી ગુનાખોરીને અટકાવવી પડશે. ગેહલોતે વિપક્ષી સભ્યોને પણ પૂછ્યું હતું કે તમને મોબ લિંચિંગની ઘટનાઓથી દુખ થતું નથી, તો વિપક્ષ ભાજપના સભ્યોએ પણ હકારમાં જવાબ આપ્યો હતો.
રાજસ્થાનમાં બળાત્કારની વધતી ઘટનાઓનો ઉલ્લેખ કરી ગેહલોતે કહ્યું કે શાળાઓમાં બાળકોને જાગૃત કરવા માટે મહિલા ઉત્પીડન, મહિલા અપરાધ અને બળાત્કાર અંગે ભણાવવામાં આવશે અને ફાંસીની સજા પણ થઈ શકે તેની સમજ પણ આપવામાં આવશે.