ગુજરાતી રાજ્યપાલ વજુભાઈ વાળાના પત્રથી થયો મોટો વિવાદ, કર્ણાટકના સ્પીકરને લખી આ વાત

કર્ણાટકમાં વિશ્વાસ પ્રસ્તાવને લઈ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અને ભાજપ વચ્ચે તીવ્ર રસાકસી ચાલી રહી છે. ભારે ખેંચતાણ છે. તેવામાં એક વખત ગુજરાતના મંત્રી અને સ્પીકર રહી ચૂકેલા અને હાલ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈવાળાએ વિશ્વાસ મત પ્રસ્તાવમાં દખલગીરી કરતા ભારે વિવાદ ઉભો થયો છે. ગુરુવારે હંગામો થયા બાદ વિધાનસભાને આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ભાજપે રાતભર ધરણા પર બેસવાનો કાર્યક્રમ આપી દીધો છે. રાજ્યપાલ વજુભાઈ વાળા અને સ્પીકર આમને-સામને આવી જતા કર્ણાટકનું કોકડું વધુને વધુ ગૂંચવાતું જાય છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ પત્ર લખ્યા બાદ પણ સ્પીકર રમેશ કુમારે તેમની વાતને ધરાર અવગણતા બન્ને આમને-સામને આવી ગયા છે. વજુભાઈવાળાએ ગુરુવારનો દિવસે પૂર્ણ થયા ત્યાં સુધીમાં વિશ્વાસ મત પ્રસ્તાવ પર વોટીંગ કરવા અંગે પત્ર લખ્યો હતો.

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ સ્પીકરને પત્રમાં લખ્યું હતું કે ગૃહમાં વિશ્વાસ પ્રસ્તાવ વિચારાધીન છે. સ્પીકર આજે સાંજે(ગુરુવાર સાંજ)સુધીમાં વોટીંગ પર વિચાર કરે. રાજ્યપાલના આ સંદેશાને સ્પીકર રમેશકુમારે ગૃહમાં વાંચીને સંભળાવ્યો હતો. સ્પીકરે રમેશ કુમારે જણાવ્યું કે રાજ્યપાલે સંદેશામાં કહ્યું છે કે આજે જ વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન અંગે વિચાર કરવામાં આવે. રમેશ કુમારે કહ્યું કે રાજ્યપાલે આદેશ આપ્યો નથી કે કોઈ નિર્દેશ આપ્યા નથી, માત્ર ઈચ્છા વ્યક્ત કરી છે.

ત્યાર બાદ સ્પીકરે રાજ્યપાલના સંદેશાને માન્યો નહી અને તેમણે આવતીકાલ સુધી કર્ણાટક વિધાનસભાને સ્થગિત કરી દીધી. આના કારણે ગૃહમાં વિશ્વાસ મત પર મતદાન કરી શકાયું નહીં. હવે આવતીકાલે 11.30 કલાકે મુખ્યમંત્રી કુમાર સ્વામી વિધાનસભમાં વિશ્વાસ મત હાસલ કરવાની કોશીશ કરશે. આના વિરોધમાં ભાજપે ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસના નેતા એચકે પાટીલે કહ્યું કે રાજ્યપાલે ભલે નિર્દેશ આપ્યા નથી, પણ આ સંદેશો ખોટો પણ હોઈ શકે છે, છતાં પણ આ મામલો વિધાનસભાની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવા માટે પુરતો છે. રાજ્યપાલે ગૃહની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. ગૃહમાં રાજ્યપાલના પ્રતિનિધિ હાજર છે અને તેમને અમે આવકારીએ છીએ.

પૂર્વ મુખ્યમંત્રી યેદુરપ્પાએ કહ્યું કે બધાને સમય આપવામાં આવે, ભલે રાતના બાર કેમ ન વાગી જાય. ભાજપને માત્ર પાંચ મીનીટ આપવામાં આવે, પણ આજે જ મતદાન સમાપ્ત કરવામાં આવે.

કુમાર સ્વામી સરકારના મંત્રી અને જેડીએસના નેતા કૃષ્ણા ગૌડાએ કહ્યું કે સરકારે વિશ્વાસ મત માંગ્યો છે અને આ કાયદાકીય બાબત છે. રાજ્યપાલે જે સંદેશો મોકલ્યો છે તે પ્રમાણે જ ગૃહની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિશ્વ્સા મત સરકારનું ભાવિ નક્કી કરવાનું છે અને તેમાં ઉતાવળ યોગ્ય નથી. ભાજપને વિશ્વાસ મતની ઉતાવળ છે.