કપિલ શર્માના ફ્લેટમાં લાગી આગ, ઘરે કોઈ ન હતું

કોમેડી કીંગ કપિલ શર્માના ફ્લેટમાં આજે બપોરે આગ ફાટી નીકળી હતી. અંધેરી વેસ્ટના ઓશીવારામાં ગ્રીન પાર્ક નજીક આવેલી શાંતિવન બિલ્ડિંગમાં આગ લાગી હતી. સાત મજલી બિલ્ડીંગ શાંતિવન સોસાયટીમાં ચોથા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે. જાણવા મળ્યા પ્રમાણે કપિલ શર્મા કે તેનો પરિવાર ફ્લેટમાં હાજર ન હતો.

સોસાયટીના સ્થાનિક રહીશે બીએમસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટને ફોન કરીને આગ લાગવાની માહિતી આપી હતી. જેમાં આ ફલેટ બોલીવુડના એક્ટર અને કોમેડિયન કપિલ શર્માનું હોવાની માહિતી પણ આપી હતી.

ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા અડધા કલાકમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગ આ ફ્લેટના રસોડામાં લાગી હતી. જો કે ફાયરબ્રિગેડે આગ વધુ ફેલાય તે પહેલા જ બુઝાવી દીધી હતી. આગ લાગ્યાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડે 2 ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે મોકલી હતી. જે બાદ તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

નામ ન આપવાની શરતે ફાયર બ્રિગેડના એક સિનિયર અધિકારીનું કહેવું છે કે,’આગ લાગી ત્યારે ઘર ખાલી હતું અને આ ઘર કપિલ શર્માનું હોવાનું લોકોએ જણાવ્યું હતું. કપિલ શર્માનું કોઈ સ્પષ્ટીકરણ આવ્યું નથી. આગ ક્યા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે.