અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના નાના ભાઈ ઈકબાલ કાસકરના પુત્ર રીઝવાન કાસકરની પોલીસે ધરપકડ કરી છે. ઈકબાલ કાસકર પહેલાંથી જ થાણે જેલમાં છે. મુંબઈથી રીઝવાન દુબઈ ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે મુંબઈ પોલીસના એન્ટી એક્સટોર્શન સેલે તેને મુંબઈ એરપોર્ટ પરથી પકડી લીધો હતો. બુધવારે રાત્રે પોલીસે તેને દબોચી લીધો હતો.
મુંબઈ પોલીસે તાજેતરમાંજ દાઉદ અને છોટા શકીલ વિરુદ્વ કાર્યવાહી કરીને અફરોઝ વડારીયા ઉર્ફ અહેમદ રઝાની ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસને વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે વડારીયા વિરુદ્વ લૂક આઉટ નોટીસ ઈશ્યુ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને પકડી લેવામાં આવ્યો હતો.
અફરોઝ વડારીયાને છોટા શકીલની નિકટનો માનવામાં આવે છે અને દાઉદ ઈબ્રાહીમ તથા છોટા શકીલના ઈશારે હવાલાનું રેકેટ ચલાવતો હતો.
રીઝવાન કાસકર ખંડણીના કેસમાં વોન્ટેડ હતો અને પોલીસને તેની શોધ હતી. રીઝવાન દુબઈ જવાની વેતરણમાં હતો ત્યારે પોલીસને હાથે ઝીલાઈ ગયો હતો.