2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુર વિધાનસભમાંથી કોંગ્રેસના ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોર 2019મા રાજ્યસભાની ચૂંટણી આવતા આવતા કોંગ્રેસથી થાકી ગયા અને આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા એમ બન્નેએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભાજપનો ખેસ પહેરાવી મોં મીઠું કરાવ્યું હતું. હજારો કાર્યકરો સાથે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ કમલમ ખાતે આવ્યા હતા.
લોકસભાની ચૂંટણી ટાણે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામા આપી દીધા હતા. કોંગ્રેસે વળતા પ્રહાર રૂપે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કાયદાકીય લડત શરૂ કરી હતી. પરંતુ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના વ્હીપ વિરુદ્વ વોટીંગ કરીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.
કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ અપમાન અને અવગણનાને મુખ્ય ગણાવ્યા હતા. અલ્પેશ ઠાકોરની સાથે જ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસ છોડી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોએ ઠાકોર સેનાની મીંટીંગ કરી ભાજપમાં જવાનો નિર્ણય કર્યો હતો અને તે પ્રમાણે બન્ને નેતાઓ ભાજપમાં જોડાયા છે.