યુપીમાં જંગલ રાજ: સોનભદ્રમાં આડેધડ ગોળીઓ છોડી નવ જણાની કમકમાટીપૂર્ણ હત્યા

ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઉભભા ગામમાં જમીનના મામૂલી ઝઘડામાં ગ્રામ પ્રધાન અને ગ્રામીણો વચ્ચે થયેલી લડાઈમાં નવ લોકોની હત્યા કરી દેવામાં આવી હોવાનો કમકમાટીપૂર્ણ બનાવ બન્યો છે. એક જ પક્ષના લોકોની હત્યાથી યુપીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઉભા થયા છે. ગ્રામ પ્રધાનના લોકો દ્વારા કરવામાં આવેલા આડેધડ ફાયરીંગમાં અંદાજ અન્ય 25 લોકોને ઈજા પહોચી છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

ધોરાવલનાં મૂર્તિયાં ગ્રામ પંચાયતના વિવાદમાં લાઠી અને દંડાનો વરસાદ થયો હતો. આ વિવાદમાં 5 પુરુષ અને 4 મહિલાઓની હત્યા કરી દેવામાં આવી છે. લાંબા સમયથી બન્ને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

ગ્રામ પ્રધાને બે વર્ષ પહેલાં 90 વિઘા જમીન વેચી હતી. બુધવારે ગ્રામ પ્રધાન પોતાના સમર્થકો સાથે જમીન પર ફરી કબ્જો કરવા પહોંચ્યો હતો. ગ્રામીણ લોકોએ જમીન કબ્જો કરવાનો વિરોધ કર્યો હતો. વિરોધની વચ્ચે ગ્રામ પ્રધાનના ટેકેદારોએ ધડાધડ ગોળીઓ છોડી દીધી હતી.

ઘટનાનાં પગલે સમગ્ર ગામમાં મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસે બેની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાને ગંભીર ગણાવી મૃતકોના પરિવાર પ્રતિ સહાનુભૂતિ પ્રગટ કરી છે.