કર્ણાટકનું ધમાસાણ: સુપ્રીમે સ્પીકરને આપ્યો છૂટ્ટોદૌર, કાલે થશે ફ્લોર ટેસ્ટ, જાણો શું છે ગણિત

કર્ણાટકમાં પાછલા બે સપ્તાહથી ચાલી રહેલા રાજકીય ધમાસાણ હવે ધી એન્ડ તરફ આગળ વધી રહ્યું છે. બુધવારે સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂકાદો આપ્યો છે અને બંડખોર ધારાસભ્યોના રાજીનામા અંગેનો નિર્ણય વિધાનસભાના સ્પીકર રમેશ કુમાર પર છોડી દીધો છે અને સ્પીકરને ખુલ્લી છૂટ આપી છે કે રાજીનામા સ્વીકારના કે નહીં. આ ઉપરાંત વિધાનસભાની કાર્યવાહીમાં રાજીનામા આપનારા ધારાસભ્યોને વોટ આપવાનો અધિકાર છે કે નહીં તે પણ હવે સ્પીકર પર છોડી દેવામાં આવ્યું છે.

આ સ્થિતિમાં મામલો ખૂબ જ પેચીદો બની ગયો છે. ચર્ચા થઈ રહી છે કે શું કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની કુમારસ્વામીની સરકાર બચી જશે કે નહીં. સુપ્રીમ કોર્ટે હવે બોલ સ્પીકરના પલડામાં નાંખી દીધો છે. આવી રીતે ન તો ધારાસભ્યોના રાજીનામા અંગે કોઈ નિર્ણય લઈ શકાયો છે અને ન તો તેમને ગેરયલાયક ઠેરવવા અંગે. હવે આખોય મામલો ફ્લોર ટેસ્ટ પર જતો રહ્યો છે અને હાલ મામલો ટાઈ થઈ ગયો છે. હવે ગુરુવારે સુપર ઓવર રમાશે. સુપર ઓવરમાં ફ્લોર ટેસ્ટ છે અને તેમાં નક્કી થઈ જશે કે કર્ણાટકના રાજકીય જંગનો વિજેતા કોણ છે.

હવે શું?

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે વિધાનસભામાં સ્પીકર રમેશ કુમાર 16 બળવાખોર ધારાસભ્યો અંગે નિર્ણય કરશે. આમાં 13 ધારાસભ્યો કોંગ્રેસના છે અને ત્રણ જેડીએસના છે. સ્પીકર અનુસાર બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અને ગેરલાયક ઠેરવવા અંગેનો નિર્ણય કરવાનો છે. આવામાં નિર્ણય કરવામાં આવશે. કોર્ટે સ્પીકરને છૂટ આપી છે.

સ્પીકર રમેશ કુમાર ગુરુવારે ધારાસભ્યો અંગે નિર્ણય કરી શકે છે. જો ધારાસભ્યો ગેરલાયક ઠરે છે તો બળવાખોર ધારાસભ્યો ચૂંટણી લડી શકશે નહીં. જોકે, વિધાનસભા ભંગ થયા બાદ ચૂંટણી લડી શકે છે. જો રાજીનામાનો સ્વીકાર થાય છે તો તેઓ ફ્લોર ટેસ્ટ દરમિયાન વોટ આપી શકશે નહીં.

ગુરુવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે. કુમારસ્વામીની સરકાર સમક્ષ બહુમતિ સાબિત કરવાનો પડકાર છે. જો બળવાખોર ધારાસભ્યો રાજીનામા પર અડગ રહે છે તો તેમની સામે વિકલ્પ છે કે તેઓ વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લે કે નહીં.

જોકે, કોંગ્રેસ તરફથી જે વ્હીપ જારી કરવામાં આવ્યો છે તેમાં કોર્ટના ચૂકાદા બાદ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યો પર કોંગ્રેસનો વ્હીપ લાગૂ થશે નહીં.

કર્ણાટક વિધાનસભામાં કુલ 224 સીટ છે. કોંગ્રેસની પાસે 100 ધારાસભ્યો છે જ્યારે ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. આ ઉપરાંત અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ ભાજપને હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પક્ષવાર સ્થિતિ અને આંકડા

  • કોંગ્રેસે: 79-1-=66
  • JDS: 37- 3 = 34
  • બસપા-1
  • કોંગ્રેસ +JDS+બસપા-101
  • ભાજપ -105
  • અપક્ષ-1
  • KPJP: 1

16 ધારાસભ્યો જે રાજીનામું આપી ચૂક્યા છે. એક વોટ સ્પીકરનો છે. સ્પીકર ત્યારે જ વોટ આપી શકે છે કે જ્યારે ફ્લોર ટેસ્ટમાં બન્ને પાર્ટીના વોટ એક સરખા થાય.

જો સ્પીકર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવે છે અથવા રાજીનામા સ્વીકારી લે છે તો બન્ને સ્થિતિમાં કુમારસ્વામીની સરકાર પડી જવાનો ખતરો રહેલો છે. સ્પીકરના નિર્ણય પર સૌની મીટ મંડાઈ છે.