પાકિસ્તાને ફરી ખોલ્યા એરપોર્ટ, ભારતીય વિમાન ભરી શકશે ઉડાન

પાકિસ્તાને સોમવારની મોડી રાત્રે તમામ એરપોર્ટ બિનસૈન્ય ફ્લાઈટ માટે ફરીથી ખોલી દીધા છે. ફેબ્રુઆરીમાં બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને ભારત માટે તમામ એરપોર્ટ બંધ કરી દીધા હતા. આના કારણે સૌથી વધુ અસર ઈન્ડીયન એરલાઈન્સની ફ્લાઈટને થઈ હતી. હવે આનો સૌથી મોટો લાભ એર ઈન્ડીયાને થશે. પાકિસ્તાને મૂકેલા પ્રતિબંધના કારણે અમેરિકા અને યુરોપ તરફ જતી ફ્લાઈટને અન્ય માર્ગેથી લઈ જવાના કારણે એર ઈન્ડીયાને અંદાજે 491 કરોડનું નુકશાન થયું છે.

સૂત્રોએ સોમવારે રાત્રે જણાવ્યું કે પાકિસ્તાને રાત્રે 12:41 મીનીટે ભારતની તમામ ફ્લાઈટ માટે એરપોર્ટ ખુલ્લા કરી દીધા છે અને ફ્લાઈટને ઉડાન ભરવા માટે પરવાનગી આપી દીધી છે. ભારતની વિમાન કંપનીઓ જલ્દીથી પાકિસ્તાની એરપોર્ટ થઈને રાબેતા મુજબ ઉડાન ભરતી થઈ જશે.

પાકિસ્તાને 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં આતંકવાદી સંગઠન જૈશે મહમ્મદના આતંકી શિબિરો પર ભારતીય વાયુસેના દ્વારા કરવામા આવેલા હુમલા બાદ એરપોર્ટ બંધ કરી દીધા હતા. 14મી ફેબ્રુઆરીએ પૂલવામામાં સીઆરપીએફ કેમ્પ પર હુમલો થયો હતો અને તેમાં 40 સૈનિકો માર્યા ગયા હતા. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી ઉભી થઈ હતી અને પાકિસ્તાને 11 જેટલા હવાઈ માર્ગોને ભારત માટે પ્રતિબંધિત કરી દીધા હતા.