સુરત અગ્નિકાંડ: આખરે દોઢ મહિના બાદ તક્ષશિલાના ગેરકાયદે બાંધકામ પર હથોડા ઝીંકાયા

સુરતના સરથાણા રોડ પર આવેલા તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ લાગેલી મહાભયાનક આગમાં 22 ભૂલકાઓ બળીને ભડથું થયા ગયા હતા. દોઢ મહિના સમયગાળા બાદ તંત્રે તક્ષશિલા આર્કેડના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી.
આજે સવારે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા તક્ષશિલા આર્કેડમાં ગેરકાયદે બાંધી દેવામાં આવેલા ડોમને તોડી પાડવામાં આવ્યું હતું.

આ ડોમમાં જ આગ લાગી હતી અને ત્યાં કોચીંગ ક્લાસીસ ચાલતું હતું. આ ડોમના માળ પરથી બાળકો પોતાનો જીવ બચાવવા કૂદ્યા પણ હતા.

તક્ષશિલા આર્કેડમાં ચાલી રહેલી ડિમોલીશનની કામગીરી

હાલ ડોમના પતરા દુર કરવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ તક્ષશિલામાં ચણી દેવાયેલા ગેરકાયદે આરસીસીના ફ્લોરને તોડી પાડવામાં આવશે. આ ઉપરાંત બિલ્ડીંગમાં જેટલું પણ ગેરકાયદે બાંધકામ હશે તેને દુર કરવામાં આવશે એવું કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું છે.