કેન્દ્ર સરકારે તાજેતરમાં આંકડા જાહેર કર્યા હતા કે છૂટક ફુગાવો વધ્યો છે અને જૂન મહિનામાં મોંઘવારી પણ વધી છે ત્યારે શાકભાજી માર્કેટમાં ટમેટાના ભાવ આગ ઝરી રહ્યા છે. શાક માર્કેટમાં ટમેટાના ભાવ આસમાને આંબી રહ્યા છે. ચોમાસાની ઋતુને કારણે અન્ય શાકભાજી અને ફળની જેમ ટમેટાના ભાવને કારણે ગૃહિણીઓના બજેટ પર અસર થઇ રહી છે. ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાયું છે.
પાછલા એક અઠવાડિયા દરમિયાન ટમેટાના ભાવ ત્રણ ગણા વધી ગયા હોવાનું નોંધાયું હતું. સામાન્યપણે માર્કેટમાં ટમેટાના ભાવ સરેરાશ રૂ. ૨૦ હતાં, પરંતુ હાલમાં તેના ભાવ 40થી 60 રૂપિયા સુધી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ટમેટાની ખેતી કરતા રાજ્યોમાં વરસાદ વધુ પડી રહ્યો હોવાથી શાકભાજીને નુકસાન થઇ રહ્યું છે, તેમાં ખાસ કરીને ટમેટા પર તેની ગંભીર અસર થઇ રહી હોવાથી તેના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે.
સુરતની એપીએમસી માર્કેટના શાકભાજીના વેપારીએ જણાવ્યું કે વરસાદી વાતાવરણને કારણે ટમેટાની આવકમાં ઘટાડો થયો છે અને તેને કારણે ભાવમાં વધારો થયો હોવાનું દેખાઇ રહ્યું છે. ઘરની દરેક વાનગીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા ટમેટાના ભાવમાં વધારો થવાથી ખાસ કરીને મધ્યમ વર્ગીય ગૃહિણીઓનું બજેટ ટમેટાને કારણે ખોરવાઇ ગયું છે.
અમદાવાદમાં પણ ટમેટાના ભાવમાં ઉછાળો છે. ગોમતીપુરમાં રહેતા કુંદનબેને કહ્યું કે રસોઈમાં કોઈ પણ પ્રકારના શાક માટે ટમેટાનો ઉપયોગ રહેલો હોય છે. રેસીપી, ટમેટા વગર તે ફીકી લાગતી હોય છે. છેલ્લાં એક અઠવાડિયાથી ટમેટાના ભાવમાં બમણો વધારો થવાને કારણે અમારા ઘરમાં ટમેટાનો ઉપયોગ ખૂબ જ સંભાળીને કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. અન્ય શાકભાજીના ભાવમાં પણ ૨૫થી 30 ટકાનો વધારો નોંધાયો છે.
10 રૂપિયામાં વેચાતી કોથમીર હાલમાં 20થી 40 રૂપિયામાં વેચાઇ રહી છે. ફ્લાવરના ભાવ પણ કિલોના હિસાબે 80થી 100 રૂપિયા સુધી પહોંચી ગયાં છે. ઉપરાંત રતાળુ (સ્વીટ પોટેટો અથવા શક્કરિયા ગાજર), રિંગણા, મરચા, ચોળી અને અન્ય ભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું.