મિશન મૂન મુલત્વી: રાષ્ટ્રપતિ પણ આવી ગયા અને ચંદ્રયાન-2નું લોન્ચીંગ અટકાવી દેવાયું,જાણો કારણ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન(ISRO) દ્વારા બીજી મૂન મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટેક્નિકલ ખામીને કારણે રોકી દેવામાં આવ્યું છે. લોન્ચ થવાના 56.24 સેકન્ડ પહેલા જ ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકવામાં આવ્યું છે. હવે પછીની નવી તારીખો ખુબ જલ્દી જાહેર કરવામાં આવશે.

ચંદ્રયાન-2ને 15-જુલાઇએ રાત્રે 2.51 વાગ્યે દેશનાં સૌથી તાકતવર બાહુબલી રોકેટ GSLV-MK3 થી લોન્ચ કરવામાં આવવાનું હતું. હાલમાં તો ઇસરોનાં વૈજ્ઞાનિકો એ વાતની શોધખોળ કરી રહ્યા છે કે, લોન્ચ પહેલા ક્યા કારણોસર ટેક્નિકલ ખામી સર્જાઇ. લોન્ચીંગ કાર્યક્રમના સ્થળે રાષ્ટ્રપતિ કોવિંદ પણ ઉપસ્થિત રહ્યા હતા.

GSLV Mk-III ભારતનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી લોન્ચર છે. તેને પુરી રીતે દેશમાં જ બનાવવામાં આવ્યું છે. ત્રણ સ્ટેજનું આ રોકેટ 4 હજાર કિલોનાં ઉપગ્રહને 35,786 કિમીથી લઇને 42,164 કિમી સુધી ઉંચાઇ પર સ્થિત જીયોસીન્ક્રોન્સ ઓર્બિટમાં પહોંચાડી શકે છે. અથવા તો 10 હજાર કિલોનાં ઉપગ્રહને 160થી 2000 કિમીનાં લો અર્થ ઓર્બિટમાં પહોંચાડી શકે છે.

આ રોકેટનાં માધ્યમથી 5-જૂન 2017નાં રોજ જી-સેટ-19 અને 14 નેવમ્બર 2018નાં રોજ જીસેટ-29નું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.