મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરમાં યોજાવાની શક્યતા

મહારાષ્ટ્રમાં 10થી 13 ઑક્ટોબર દરમિયાન વિધાનસભાની ચૂંટણી થવાની શક્યતા  તબીબી શિક્ષણ અને જળસંપદા પ્રધાન ગિરીશ મહાજને વ્યક્ત કરી હતી. નાસિક ખાતે આયોજિત જિલ્લા નિયોજન સમિતની બેઠક દરમિયાન તેમણે ચૂંટણીની તારીખની સાથે જ ચૂંટણી માટે 10થી 15 સપ્ટેમ્બર દરમિયાન આચારસંહિતા લાગુ પડશે એવું ભાવિ પણ ભાખ્યું હતું.

આ અગાઉ પિંપરીમાં એક કાર્યક્રમમાં મહેસૂલ પ્રધાન ચંદ્રકાંત પાટીલે પણ સપ્ટેમ્બરથી આચારસંહિતા લાગૂ પડશે અને ઑક્ટોબરમાં ચૂંટણી થશે એવું કહ્યું હતું.

નાસિકમાં કાર્યક્રમ દરમિયાન ગિરીશ મહાજને કહ્યું હતું કે, 2014માં વિધાનસભાની ચૂંટણીની તારીખથી આ વખતની વિધાનસભાની ચૂંટણીની તારીખનો અંદાજ હું વ્યક્ત કરતો આવ્યો છું. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે આઘાડીના અનેક નેતાઓ ભાજપમાં પ્રવેશ કરશે. લોકસભાની ચૂંટણી વખતે વિરોધીપક્ષ નેતાથી માંડીને અનેક મોટા નેતા ભાજપમાં આવ્યા હતા.

હવે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના પહેલી હરોળના નેતાઓને છોડ્યે તો તેમના પાછળ ઊભા રહેવા માટે કોઈ તૈયાર નથી. બંને પક્ષના પહેલી હરોળના અનેક મોટા નેતાઓ ભાજપમાં પ્રવેશ કરવા ઉત્સુક છે. એ સાથે જ આગામી ચૂંટણીમાં કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીને ૫૦નો આંકડો પાર કરવાનો તેમણે પડકાર પણ આપ્યો હતો.