શું આ સાચું છે? વીજળી દિવસે સસ્તી અને રાત્રે મોંઘી થશે?

વીજળીનો વપરાશ નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવવાની તૈયારીમાં છે. તે અનુસાર દિવસે વીજળીના દર ઓછા, જયારે રાત્રે વધુ રાખવામાં આવનાર છે. તેથી દિવસે વીજળીનો વપરાશ વધુ કરનારા ગ્રાહકોને રાહત મળશે. 

દેશભરમાં મોટા પ્રમાણમાં સોલાર પાવર પ્લાન્ટ ઊભા કરવામાં આવી રહ્યા હોવાથી ટૂંક સમયમાં તેની કુલ વીજળી નિર્માણની ક્ષમતા સવા લાખ મેગાવૉટ સુધી પહોંચશે. તેથી ગ્રાહકોને દિવસે સોલાર પાવર પ્લાન્ટમાંથી મળનારી સસ્તા દરની વીજળી મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થઇ શકશે, એમ કેન્દ્રીય ઊર્જા પ્રધાન આર. કે. સિંહે સ્પષ્ટ કરી છે. રાત્રીના સમયે વાપરવામાં આવનાર વીજળી સોલાર પાવર પ્લાન્ટને બદલે અન્ય પ્લાન્ટમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેથી રાત્રીના સમયે વીજળીના દર દિવસની વીજળીની સરખામણીમાં વધુ હશે.

તેમણે કહ્યું કે દિવસ અને રાત્રે વીજળીના અલગ-અલગ દર રાખવા અંગેનો પ્રસ્તાવ હોવાથી તે ટૂંક સમયમાં કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં રજૂ કરવામાં આવશે. તેમ જ ગ્રાહકોને અખંડિત વીજપુરવઠો થાય તે માટે સરકાર એક નવા નિયમો તૈયાર કરવાનો વિચાર કરી રહી છે. તે અનુસાર નૈસર્ગિક અથવા ટેકનિકલ કારણ સિવાય વીજપુરવઠો ખંડિત થાય તો સંબંધિત વીજ કંપનીને દંડ ફટકારવામાં આવશે.