કચ્છના માનકૂવામાં ગોઝારો ત્રિપલ અકસ્માત, 10ના મોત

કચ્છના માનકુવા નજીક સોમવારે બપોરે ડાકડાઈ ગામના પાટીયા પાસે ત્રણ વાહનો વચ્ચે જોરદાર અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં આશરે 10 લોકોના મોત નિપજ્યા હોવાનું મનાય છે. જ્યારે પાંચથી વધુ લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, એક ટ્રક માતાના મઢ તરફ જઈ રહ્યો હતો. આ સમયે સામેથી આવતી રીક્ષા અને બાઈક સાથે ટ્રક અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માત બાદ ટ્રક મૂકીને ચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.

આ અકસ્માતની જાણ થતાં માનકુવાના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહનોએ ધીમી ગતિએ આગળ વધવું પડ્યું હતું.અકસ્માતને પગલે રીક્ષા અને બાઈક પર સવાર 10 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. લોકોએ રીક્ષામાંથી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ઇજા પામેલા લોકોને ભૂજની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસ હાલમાં ફરાર ટ્રક ડ્રાઇવરની શોધ કરી રહી છે.